દેશની 42 ટકા વસ્તીના સંપૂર્ણ રસીકરણ બાદ SBIએ ભારતના GDP વૃદ્વિદરનું અનુમાન ચાલુ વર્ષે ભારતનો GDP વૃદ્ધિદર 9.3%થી વધારીને 9.6% કર્યું
નવી દિલ્હી: કોવિડનો પ્રકોપ ઘટતા હવે દેશમાં આર્થિક ગતિવિધિઓ વધુ તેજ બની છે અને વ્યાપારિક પ્રવૃત્તિઓ પણ પાટે ચડી છે. તે ઉપરાંત કોરોના સામે વસ્તીના 42 ટકા હિસ્સાને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવતા હવે SBI રિસર્ચે 2021-22 માટે ભારતનો જીડીપી વૃદ્વિદર 9.3 ટકાથી સુધારીને 9.6 ટકા કર્યો છે. તે ઉપરાંત નાણાકીય વર્ષ 2021-22ના બીજા ક્વાર્ટર માટે આ દર 8.1 ટકા કરાયો છે.
વર્તમાન કેલેન્ડર વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન દેશમાં કોવિડના કેસો માત્ર 11 ટકા જ વધતા ભારતના રેટિંગમાં પણ સુધારો થયો છે. આ સાથે કોવિડથી સૌથી વધુ અસરગ્રસ્ત 15 દેશોમાં કોવિડના કેસોમાં આ સૌથી ઓછી વૃદ્વિ છે. કેસોની સંખ્યામાં વધારો સપ્ટેમ્બર 2021ની તુલનાએ નવેમ્બર 2021માં 2.3 ટકા થયો હતો. દેશમાં 1.15 અબજની વસ્તીને સિંગલ ડોઝ અપાઇ ચૂક્યો છે.
નોંધનીય છે કે, દેશમાં ગુજરાત, ઉત્તરાખંડ, કેરળ, કર્ણાટક, તેલંગણા, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશમાં 50 ટકાથી વધારે વસ્તીનું સંપૂર્ણપણે રસીકરણ થઇ ચૂક્યું છે. ભારત 2021-22ના બીજા ત્રિમાસિક ગાળામાં 8.1 ટકાનો વૃદ્વિદર નોંધાવે તેવો અંદાજ છે. આ વૃદ્વિદર બધા અર્થતંત્રોમાં સૌથી ઊંચો હશે. 28 ચુનંદા અર્થતંત્રમાં સરેરાશ વૃદ્વિદર ઘટીને 4.5 ટકા થયો છે જે અગાઉ 12.1 ટકા રહ્યો હતો.