Site icon Revoi.in

શેરબજારમાં તેજીથી રોકાણકારોની સંપત્તિ વધીને રૂ.226 લાખ કરોડની ઐતિહાસિક સપાટીએ પહોંચી

Social Share

મુંબઇ: દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાનો કહેર ઓછો થયા બાદ હાથ ધરાયેલી અનલોકની પ્રવૃત્તિઓ સહિતના અન્ય સાનુકૂળ અહેવાલોના જોરે ભારતીય શેરબજારોમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. નિફ્ટી 15705ની ઑલટાઇમ હાઇ સપાટીને આંબ્યો હતો. જ્યારે રોકાણકારોની સંપત્તિ અધધધ…વધીને રૂ.226 લાખ કરોડની ઐતિહાસિક સપાટીએ પહોંચી હતી.

દેશના અનેક રાજ્યોમાં અનલોકની પ્રક્રિયા થતાં આર્થિક ગતિવિધિઓએ ફરીથી જોર પકડ્યું છે. વેક્સિનેશન અંગેના પ્રોત્સાહક અહેવાલોને કારણે પણ બજારમાં સંગીન સ્થિતિ જોવા મળી છે.

આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલી નવી લેવાલીએ એનએસઇ ખાતે કામકાજનો પ્રારંભ ઉંચા મથાળે થયા બાદ નિફ્ટી ઇન્ટ્રા-ડે વધીને 15705ની નવી ઑલટાઇમ હાઇ હતી. કામકાજના અંતે 114.15 પોઇન્ટ વધીને 15690.35ની વિક્રમી ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો.

મુંબઈ શેરબજાર ખાતે પણ કામકાજનો પ્રારંભ મક્કમ ટોને થયા બાદ ચોમેરથી નીકળેલી નવી લેવાલીના પગલે કામકાજના અંતે 382.95 પોઇન્ટ વધી 52232.43ની સપાટીએ મજબૂત રહ્યો હતો. સેન્સેક્સમાં નોંધાયેલા ઉછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બી.એસ.ઇ. માર્કેટકેપ) રૂા. 1.89 લાખ કરોડનો વધારો થયો હતો.