- રેલ મંત્રાલયે IRCTCને એક મોટો નિર્દેશ જારી કર્યો છે
- આ નિર્દેશ બાદ મોબાઇલ કેટરિંગના તમામ કોન્ટ્રાક્ટ રદ કરશે IRCTC
- મદ્રાસ હાઇકોર્ટમાં આને લઇને મામલો બહાર આવ્યા બાદ રેલ મંત્રાલયે લીધું પગલું
નવી દિલ્હી: રેલ મંત્રાલયે એક મહત્વનો નિર્ણય કર્યો છે. રેલ મંત્રાલયે IRCTCને મોટો નિર્દેશ જારી કર્યો છે. મંત્રાલયે કંપની પાસેથી મોબાઇલ કેટરિંગના આવા તમામ કોન્ટ્રાક્ટ રદ્દ કરવા જણાવ્યું છે, જે મુસાફરોને કિચનમાં તૈયાર કરવામાં આવેલ ભોજન પીરસવા સંબંધિત છે. ભારતીય રેલવેએ મદ્રાસ હાઇકોર્ટમાં આની સાથે જોડાયેલ મામલો બહાર આવ્યા બાદ આ પગલું ઉઠાવ્યું છે. જ્યાંથી રેલવેને ચાર સપ્તાહમાં કોઇ સમાધાનનો માર્ગ કાઢવા જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, રેલવે તરફથી જારી નિવેદન અનુસાર, IRCTCને નિર્દેશ અપાયો છે કે મોબાઇલ કેટરિંગના તમામ મોજુદ કોન્ટ્રાક્ટ રદ્દ કરવામાં આવે, જેમાં વર્તમાન નિયમો અને શરતો પ્રમાણે બેચ કિચનમાં તૈયાર ભોજન મુસાફરોને આપવાની વ્યવસ્થા છે.
નિવેદનમાં વધુ એવું જણાવાયું છે કે, IRCTCને એવો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે, આ કેસને મહામારીથી પેદા થયેલ સ્થિતિને જોતા અપવાદ તરીકે લેવામાં આવે અન આને કોન્ટ્રાક્ટરની ભૂલ ન ગણવી. એટલા માટે કોન્ટ્રાક્ટર પર કેટરિંગ સર્વિસ નહીં આપી શકવા માટે કોઇ દંડ પણ ના લગાવે અને જો કાંઇ હોય તો બાકીનો હિસા ચૂકતે કરે, તો સિક્યોરિટી ડિપોઝિટ તેમજ પૂરી એડવાન્સ ફી પણ પરત કરી દેવામાં આવે.
નોંધનીય છે કે ઇન્ડિયન રેલવે મોબાઇલ કેટર્સ એસોસિએશને 19 જાન્યુઆરી 2021એ મદ્રાસ હાઇકોર્ટમાં મોબાઇલ કેટરિંગ મુદ્દે અરજી કરી હતી. આ અરજી પર પોતાના આદેશમાં મદ્રાસ હાઇકોર્ટે IRMCAની સેવા પુન:સ્થાપિત કરવાની માંગો પર ભારતીય રેલવેને વિચાર કરવા કહ્યું હતું.
IRMCAની સેવા માર્ચ 2020માં જાહેર થયેલ લોકડાઉન પછીથી બંધ છે. કોર્ટે અધિકારીઓને કહ્યું હતું કે, સંગઠનના સભ્યોના પોતાની વાત રાખવાની તક આપવામાં આવે અને ચાર સપ્તાહમાં આદેશ જારી કરવામાં આવે.
(સંકેત)