- ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશને પ્રધાનમંત્રી કાર્યાલયને લખ્યો પત્ર
- પત્ર લખીને ખાંડના લઘુતમ વેચાણ ભાવ વધારવામાં થઇ રહેલા વિલંબ અંગે ધ્યાન દોર્યું
- હવે દેશમાં આગામી સમયમાં ખાંડ મોંઘી થવાની સંભાવના
દેશમાં ખાંડના ભાવ ફરીથી વધી શકે છે. હકીકતમાં, ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશને પ્રધાનમંત્રી કાર્યાલયને પત્ર લખીને ખાંડના લઘુતમ વેચાણ ભાવ વધારવામાં થઇ રહેલા વિલંબ અંગે ધ્યાન દોર્યું હતું. પત્રમાં લખ્યું છે કે ખાંડના વેચાણ ભાવ વધારવામાં થઇ રહેલા વિલંબથી સુગર મિલો દ્વારા ખેડૂતોને શેરડીના બાકી રૂપિયાની ચૂકવણીમાં મુશ્કેલી થઇ રહી છે. ઓગસ્ટના અંત સુધીમાં ચૂકવણીની બાકી રકમ 145 અબજ રૂપિયા થઇ ગઇ છે.
આપને જણાવી દઇએ કે ખાંડના વેચાણ ભાવ વધારવાની ઘણા સમયથી ચર્ચા વિચારણા ચાલી રહી છે પરંતુ અત્યાર સુધી કોઇ નક્કર નિર્ણય લેવાયો નથી. કેન્દ્ર સરકારે જૂનમાં ખાંડના ભાવ વધારવા ચર્ચા કરી હતી. ત્યારબાદ સચિવોની સમિતિની બેઠક યોજાઇ, મંત્રીમંડળની બેઠક યોજાઇ જેની અધ્યક્ષતા ગૃહ મંત્રી અમિત શાહે કરી હતી તેમજ જુલાઇમાં ભાવ વધારવાની ભલામણ કરાઇ, પરંતુ નિર્ણય હજુ સુધી લેવાયો નથી.
ખાદ્ય મંત્રાલયે શેરડીની પિલાણ સીઝન 2020-21 (ઓક્ટોબર- સપ્ટેમ્બર)ની માટે ખાંડનો વેચાણ ભાવ બે રૂપિયા વધારીને 33 રૂપિયા પ્રતિ કિગ્રા કરવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો પરંતુ 18 ઓગસ્ટે કેબિનિટની બેઠકમાં આ મુદ્દાને અચાનક રોકવામાં આવ્યો તેમજ નવુ સત્ર શરૂ થાય ત્યાં સુધી રોકવાનો નિર્દેશ અપાયો હતો.
ખાંડના ભાવ વધારા અંગે ઇસ્માનું કહેવું છે કે, ખાંડનો વેચાણ ભાવ 33 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી યોગ્ય હતા જ્યારે શેરડીની એફઆરપી 275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી, હાલ તે વધીને 285 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઇ ગઇ છે તો ખાંડના વેચાણ ભાવ 34.5 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હોવા જોઇએ.
(સંકેત)