ભારતના અર્થતંત્રને લઇને RBIના પૂર્વ ગવર્નરનું મહત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું?
- દેશના સાંપ્રત આર્થિક ચિત્રને લઇને RBIના પૂર્વ ગવર્નર સી રંગરાજનનું નિવેદન
- વર્ષ 2025 સુધીમાં ભારત માટે પાંચ ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી બનવી અશક્ય છે
- કોવિડની ત્રીજી લહેરની શક્યતાઓને ધ્યાનમાં રાખીને પ્રયાસો થવા જોઇએ
નવી દિલ્હી: દેશના સાંપ્રત આર્થિક ચિત્રને લઇને રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર સી રંગરાજને નિવેદન આપ્યું છે. તેમના અનુસાર હાલની સ્થિતિમાં ભારતની ઇકોનોમી વર્ષ 2025 સુધીમાં પાંચ ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી બને તે લક્ષ્ય અશક્ય છે.
એક શૈક્ષણિક સંસ્થાના સમારોહ દરમિયાન સી.રંગરાજને કહ્યું હતું કે, કોવિડની ત્રીજી લહેરની શક્યતાઓને ધ્યાનમાં રાખીને પ્રયાસો થવા જોઇએ. રસીકરણનો વ્યાપ વધારવા માટે હેલ્થ સેક્ટરમાં પણ સરકાર રોકાણ કરે તે આવશ્યક છે.
તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, અગાઉ આશા હતી કે, વર્ષ 2025 સુધીમાં ભારત પાંચ ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી બનશે. જો કે આ વાત અશક્ય છે. વર્ષ 2019માં આપણી ઇકોનોમી 2700 અબજ ડોલરની હતી. માર્ચ 2022 સુધીમાં આપણે આ જ સ્તર પર હોઇશું. પાંચ ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી બનવા માટે આગામી પાંચ વર્ષ સુધી દર વર્ષે ભારતે નવ ટકાનો ગ્રોથ રેટ હાંસલ કરવો પડે તેમ છે. જે હાલની સ્થિતિ જોતા અસંભવ છે.
સરકાર માટે આ લક્ષ્યાંક સિદ્વ કરવું જરૂરી છે પરંતુ આર્થિક સુધારા વગર તે હાંસલ કરવું મુશ્કેલ છે. જો કે લોકડાઉનમાં ઢીલ અપાયા બાદ હવે હવે ઇકોનોમીએ ઝડપ પકડી છે તે સારી વાત છે. બે વર્ષમાં લોકડાઉનને કારણે ઉત્પાદનમાં મોટા પાયે જે નુકસાન થયું છે તે સરભર કરવા માટે અર્થતંત્રમાં વેગ જરૂરી છે.