- સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી વચ્ચે ક્રૂડ માર્કેટમાં પણ મંદી યથાવત
- ક્રૂડ માર્કેટમાં હજુ પણ સ્થિતિ સામાન્ય નથી થઇ
- તેની સીધી અસર સ્થાનિક માર્કેટમાં જોવા મળી રહી છે
સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે અને તેની વિપરિત અસર આંતરરાષ્ટ્રીય ક્રૂડ માર્કેટમાં પણ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ માર્કેટમાં હજુ પણ સ્થિતિ સામાન્ય નથી થઇ. આને તમે કોવિડ-19નો પ્રકોપ કહો કે પછી ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશોની રણનીતિ. હાલના સમયમાં ક્રૂડ ઓઇલના માર્કેટમાં સુસ્તી પ્રવર્તિત છે. તેની સીધી અસર સ્થાનિક માર્કેટમાં જોવા મળી રહી છે.
આ વચ્ચે સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરી ડીઝલ અને પેટ્રોલ બંને ઓઇલના ભાવમાં ઘટાડો કર્યો છે. એક દિવસ અગાઉ શુક્રવારે ભાવ યથાવત હતા. જ્યારે ગુરુવારે ડીઝલ-પેટ્રોલ બંને સસ્તા થયા હતા. દિલ્હીમાં આજે પેટ્રોલ ઘટીને 81.86 રૂપિયા અને ડીઝલ 72.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે.
મહત્વનું છે કે, વૈશ્વિક માર્કેટમાં મંદીનો માહોલ છે. એક તરફ અમેરિકાએ તેલના કુવાઓની શોધખોળ માટે ડ્રિલિંગનું કામકાજ વધાર્યું છે, બીજી તરફ ક્રૂડ ઓઇલના સૌથી મોટા સપ્લાયર સાઉદી અરેબિયાએ ક્રૂડના ભાવમાં ઘટાડો કર્યો છે.
(સંકેત)