- લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સના IPO એ પારસ ડિફેન્સનો રેકોર્ડ તોડ્યો
- લેટેન્ટ વ્યૂનો IPO આ વર્ષે અત્યારસુધી સૌથી વધુ સબસ્ક્રાઇબ થનારો આઇપીઓ બન્યો
- આ ઇસ્યૂમાં 5,72,18,82,528 ઇક્વિટી શેર્સ માટે બિડ આવી
નવી દિલ્હી: આ વર્ષ ખાસ કરીને આઇપીઓ માટે શુકનિયાળ રહ્યું છે. અનેક આઇપીઓનું બમ્પર લિસ્ટિંગ થયું છે. આ વર્ષે પાર ડિફેન્સનો આઇપીઓ અને લિસ્ટિંગ ચર્ચામાં રહ્યું હતું. જો કે, હવે લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સના આઇપીઓએ પણ પારસ ડિફેન્સનો રેકોર્ડ બ્રેક કર્યો છે. આપને જણાવી દઇએ કે લેટેન્ટ વ્યૂનો IPO આ વર્ષે અત્યારસુધી સૌથી વધુ સબસ્ક્રાઇબ થનારો આઇપીઓ બન્યો છે.
NSEના ડેટા પર નજર કરીએ તો, આ ઇસ્યૂમાં 5,72,18,82,528 ઇક્વિટી શેર્સ માટે બિડ આવી છે. ત્રીજા અને અંતિમ દિવસે પાંચ વાગ્યા સુધી IPO 326.5 ગણો ભરાયો છે. કંપનીએ 1,75,25,693 શેર્સ વેચવા માટે મૂક્યા છે. રોકાણકારો તરફથી આ આઇપીઓને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે.
કંપનીએ પ્રતિ શેર 190-197 રૂપિયા પ્રાઈઝ બેન્ડ રાખી છે અને એક લોટની સાઈઝ 76 શેર્સ છે. લેટેન્ટ વ્યુ એનાલિટિક્સનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 290 રૂપિયા પ્રતિ શેર બોલાઈ રહ્યું છે જે તેની ઈસ્યુ પ્રાઈઝ કરતા 150 ગણી વધારે છે. મોટા ભાગના બ્રોકરેજીસે આ આઈપીઓને સબસ્ક્રાઈબ રેટિંગ આપ્યું છે.
સબસ્ક્રિપ્શનના બીજા દિવસે 230 રૂપિયા પર રહ્યા બાદ લેટેન્ટ વ્યુ એનાલિટિક્સનો આઈપીઓ શુક્રવારે અંતિમ દિવસે ગ્રે માર્કેટમાં 290 રૂપિયા પર પહોંચી ગયો હતો. ગ્રે માર્કેટ પ્રમાણે આ આઈપીઓનું લિસ્ટિંગ તેની પ્રાઈસ બેન્ડ 190-197 રૂપિયા પ્રતિ શેર કરતા 150 ટકા વધારે થશે.