- બેંક ઑફ બરોડાએ દેના બેંકની 1770 શાખાઓમાં એકીકરણનું કામ કર્યું પૂર્ણ
- વિજયા બેંકની પણ 2128 શાખાઓનું એકીકરણ કામ પૂર્ણ કરાયું
- હવે તમામ ગ્રાહકોને બેંકના ડિજીટલ ચેનલો સુધી પહોંચ પ્રાપ્ત થશે
નવી દિલ્હી: જો તમે પણ બેંક ઑફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકના ગ્રાહકો છો તો તમારા માટે સૂચના છે. 1 એપ્રિલ 2019થી સરકારે વિજયા બેંક અને દેના બેંકનું બેંક ઑફ બરોડામાં વિલિનીકરણ કર્યું હતું. હવે બેંક ઑફ બરોડાએ કહ્યું છે કે તેણે દેના બેંકની 1770 શાખાઓના એકીકરણનું કામ ડિસેમ્બર 2020માં પૂરુ કરી લીધું છે. વિજયા બેંકની પણ 2128 શાખાઓનું સપ્ટેમ્બર 2020માં એકીકરણ કરી લેવામાં આવ્યું હતું.
બેંકના મેનેજીંગ ડાયરેક્ટર અને સીઇઓ સંજીવ ચઢ્ઢાએ એક નિવેદનમાં કહ્યું હતું કે અમે કોવિડ-19 પડકારો વચ્ચે પૂર્વવર્તી બેંકોના સફળતાપૂર્વક વિલયનું કામ પૂર્ણ કર્યું છે. અમે એકવાર ફરીથી અમારા તમામ સન્માનિત ગ્રાહકોનું સ્વાગત કરીએ છીએ અને તેમને બેંક ઑફ બરોડાની પ્રોડક્ટ્સ અને ડિજીટલ સોલ્યુશન્સનો લાભ ઉઠાવવા માટે આગ્રહ કરીએ છીએ.
નોંધનીય છે કે હવે 5 કરોડથી વધુ ગ્રાહકોના બેંક ખાતા બેંક ઑફ બરોડામાં આવી ગયા છે. તે ઉપરાંત તમામ શાખાઓ, એટીએમ, પીઓએસ, મશીનો અને ક્રેડિટ કાર્ડનું એકીકરણ સફળતાપૂર્વક થઇ ચૂક્યું છે. તમામ ગ્રાહકોની હવે સમગ્ર ભારતમાં કુલ 8248 સ્થાનિક શાખાઓ તેમજ 10,318 એટીએમ છે જે તેમને સંપૂર્ણ ઉત્પાદનો અને સેવાઓ સુધી પૂરેપૂરી પહોંચ પ્રદાન કરશે.
મહત્વનું છે કે હવે તમામ ગ્રાહકોને બેંકના ડિજીટલ ચેનલો સુધી પહોંચ પ્રાપ્ત થશે. પૂર્વવર્તી બેંકો દ્વારા ગ્રાહકોને પહેલેથી અપાયેલા ડેબિટા કાર્ડ જ્યાં સુધી કાર્ડની નિર્ધારિત સમય મર્યાદા ખતમ નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
(સંકેત)