- નવા વર્ષે પણ રહેશે IPOનો ધમધમાટ
- માર્ચ ક્વાર્ટરમાં 44,000 કરોડના ઇશ્યૂ આવશે
- વર્ષ 2021માં 63 આઇપીઓ આવ્યા હતા
નવી દિલ્હી: ગત વર્ષે આઇપીઓ માર્કેટ 63 જેટલા આઇપીઓથી છલોછલ રહ્યું હતું ત્યારે ચાલુ વર્ષે પણ મોટી સંખ્યામાં IPO આવી રહ્યા છે ત્યારે રોકાણકારો માટે કમાણીની મોટી તક રહેલી છે. આગામી માર્ચના ત્રિમાસિક ગાળામાં લગભગ બે ડઝન કપનીઓ પોતાના IPO લાવશે અને IPOથી આ કંપનીઓ રૂ. 44,000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.
વર્ષ 2021માં કુલ 63 કંપનીઓ પોતાના આઇપીઓ લઇને આવી હતી. રોગચાળાના વર્ષ દરમિયાન અર્થતંત્ર પર દબાણની સ્થિતિ હોવા છતાં 1.2 લાખ કરોડ રૂપિયાના IPO આવ્યા હતા.
વર્ષ 2021 દરમિયાન લિસ્ટિંગના સમયે જંગી ફાયદો, વધારે લિક્વિડિટી તેમજ રિટેલ રોકાણકારોની હિસ્સેદારીથી 2021માં IPO માર્કેટમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
માર્ચ ત્રિમાસિક ગાળામાં હોટેલ એગ્રીગેટર ઓયોઅને સપ્લાય ચેઇન કંપની ડેલ્હીવરી પોતાનો આઇપીઓ લાવવાની યોજના ધરાવે છે.
આ બંને કંપનીઓ ઉપરાંત, એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ (રૂ. 4000 કરોડ), અદાણી વિલ્મર (રૂ.4500 કરોડ), વેદાંત ફેશન્સ (રૂ. 2500 કરોડ), પારાદીપ ફોસ્ફેટ (રૂ. 2200 કરોડ) અને મેદાંત (રૂ. 2200 કરોડ) ઇશ્યૂ લાવવાની તૈયારી કરી રહી છે.
તે ઉપરાંત હેલ્થિયમ મેડટેક, સ્કેનર ટેક્નોલોજીસ, સહજાનંદ મેડિકલ ટેક્નોલોજી પણ સમીક્ષા હેઠળના ક્વાર્ટર દરમિયાન પોતાનો આઇપીઓ લાવવાની યોજના ધરાવે છે. ઋણની ચૂકવણી, ઇનઓર્ગેનિક ગ્રોથ પહેલ જેવા કારણોસર આ કંપનીઓ ફંડ એકત્ર કરવા માંગે છે.