નવી દિલ્હી: RBIનું ગત વર્ષના ઑગસ્ટના સર્ક્યુલરનું અમલીકરણ શરૂ થવાને કારણે દેશની બેંકોમાં રહેલા લાખો કરન્ટ ખાતાઓ યા તો બંધ કરી દેવામાં આવ્યા છે અથવા તો તેને સ્થગિત કરવાની બેંકોને નોબત આવી છે. રિઝર્વ બેંકના પરિપત્રને કારણે ખાસ કરીને નાના વેપાર ગૃહોએ સહન કરવાનો વારો આવ્યો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, બેંકો હાલમાં ઇમેઇલ મારફતે પોતાના ખાતેદારોને તેના ખાતા બંધ કરી દેવાયાની અથવા સ્થગિત કરી દેવાયાની જાણકારી પૂરી પાડી રહી છે. અન્ય બેંકો સાથે લોન એકાઉન્ટ ધરાવતા હોય તેવા બોરોઅરના કરન્ટ એકાઉન્ટ નહીં ખોલવા રિઝર્વ બેંકે બેંકોને સૂચના આપી હોવાનું બેંકો તેના ઇમેઇલમાં જણાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કરન્ટ એકાઉન્ટ એકથી વધુ ન ચલાવવાના પરિપત્ર થયા પછી ખાનગી બેન્કો રાષ્ટ્રીયકૃત બેન્કો પાસેથી ધંધો આંચકી લેવા માટે રાષ્ટ્રીયકૃત બેન્કોને પાતાની પાસેથી કેશ ક્રેડિટ કે ઓવરડ્રાફ્ટ લીધી હોવાની માહિતી ખાનગીમાં લીક કરી દેતી હોવાના પણ આક્ષેપો થઇ રહ્યા છે.
રિઝર્વ બેન્કની સૂચના પ્રમાણે, ”અમે સલાહ આપીએ છીએ કે, તમે અમારી બ્રાન્ચ સાથે, કેશ ક્રેડિટ અથવા ઓવરડ્રાફટ એકાઉન્ટ ચાલુ રાખી શકો છો, પરંતુ આની સાથોસાથ તમે કરન્ટ એકાઉન્ટ ચાલુ રાખી શકશો નહીં, માટે તે બંધ કરી દેવાનું રહેશે, ” એમ એક બેન્ક દ્વારા તેમના ખાતેદારને પાઠવાયેલા ઈ-મેલમાં જણાવાયું છે.
છેલ્લા કેટલાક સમયમાં ખાતેદારોને જાણ કર્યા બાદ એસબીઆઈએ અંદાજે 50,000થી વધુ આવા ખાતા બંધ કરી દીધા હોવાનું બેન્કિંગ ક્ષેત્રના સુત્રોએ જણાવ્યું હતું. ગયા વર્ષના ઓગસ્ટમાં રિઝર્વ બેન્કે, કરન્ટ ખાતા ખોલાવવા માટે નવા નિયમો જારી કર્યા હતા. જેમાંના એક નિયમ પ્રમાણે, બોરોઅર એવી જ બેન્કમાં કરન્ટ ખાતું ધરાવી શકે છે, જે તેના કુલ બોરોઈંગના ઓછામાં ઓછા દસ ટકા એકસપોઝર ધરાવતી હોય.
નવા નિયમોના પાલન માટે પહેલા ત્રણ મહિનાનો સમય અપાયો હતો, પરંતુ ત્યારબાદ તેને લંબાવીને વર્તમાન વર્ષના 31 જુલાઈ સુધી કરાયાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.