- લેપટોપ, કેમેરા અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડ્યૂટી વધારવાની વિચારણા
- હાલમાં આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય પાસે છે
- કુલ 20 જેટલી પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડ્યૂટી વધી શકે છે
જો તમે પણ લેપટોપ, કેમેરા અથવા એલ્યુમિનિયમની બનાવટની કોઇ પ્રોડક્ટ ખરીદવા માંગતા હોવ તો તમારા માટે આ સમાચાર વાંચવા જરૂરી છે. હકીકતમાં, મોદી સરકાર ટૂંક સમયમાં લેપટોપ, કેમેરા, ટેક્સટાઇલ પ્રોડક્ટ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ સહિત 20 પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડ્યૂટી વધારવાનું વિચારી રહી છે. તે ઉપરાંત કેટલીક સ્ટીલ આઇટમ પર ઇમ્પોર્ટ લાઇસન્સિંગ પણ લાગૂ કરાશે, જે ચીનથી આયાત પર પ્રતિબંધના પગલાંને કારણે લેવામાં આવશે.
હાલમાં નાણા મંત્રાલય પાસે કસ્ટમ ડ્યૂટી વધારવાનો પ્રસ્તાવ છે, જેઓએ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તરફથી આવેલા આ પ્રસ્તાવને પહેલા જ ફગાવી દીધો હતો. રેવેન્યૂ મંત્રાલય કેટલાક ટેરિફ વધારવાની ઘોષણા કરવાની તૈયારીમાં છે.
હાલમાં ભારતના ચીન સાથે સંબંધ વણસ્યા બાદ ભારત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંતર્ગત ખાસ કરીને વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશમાંથી પ્રોડક્ટની મોટી માત્રામાં આયાત કરે છે.
રેવેન્યૂ વિભાગ તરફથી કોઇ પગલું લેવામાં ના આવતા વાણિજ્ય વિભાગે ટાયર તેમજ ટીવી જેવા ઉત્પાદો પર આયાત લાઇસન્સિંગ લાગૂ કરવાનો નિર્ણય લીધો હતો. તે ઉપરાંત લાઇસન્સિંગ એજન્સી ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ તરફથી કેટલીક સ્ટીલની પ્રોડક્ટની આયાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આયાત પ્રતિબંધો ઉપરાંત મોદી સરકારે 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ભારત અને ચીન વચ્ચે સરહદ પર થયેલી હિંસક અથડામણ બાદ મોદી સરકારે આ પગલાં લીધા હતા.
(સંકેત)