- દેશના ગ્રાહકોના હિત માટે ગત જુલાઇમાં ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ લાગૂ કરાયું
- ઇ-કોમર્સ કંપનીઓને પણ અધિનિયમ હેઠળ સમાવી લેવાઇ
- ઇ-કોમર્સ કંપનીઓએ અધિનિયમ હેઠળ નીચે આપેલા નિયમોનું કરવું પડશે પાલન
દેશના ગ્રાહકોના હિતોના રક્ષણના ઉદ્દેશ સાથે દેશમાં ગત 20 જુલાઇના રોજ નવા ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019ને લાગૂ કરવામાં આવ્યો છે. આ નવા અધિનિયમ હેઠળ ગ્રાહકોને પહેલા કરતાં વધુ અધિકારો પ્રાપ્ત થશે. આ કાયદા હેઠળ ઇ-કોમર્સ કંપનીઓને પણ સમાવી લેવામાં આવી છે. જો કે ઇ-કોમર્સ કંપનીઓને લઇને નવા નિયમોને નોટિફાઇ કરવામાં આવ્યા છે.
ઇ-કોમર્સ કંપનીઓ માટેના નવા નિયમો અનુસાર સામાન વેચવાની પદ્વતિ બદલવામાં આવી છે. તો ચાલો આ નવા નિયમો અંગે વિસ્તૃત ચર્ચા કરીએ.
આ નવા નિયમો હેઠળ વિક્રેતાએ પોતાના ઉત્પાદનો ક્યા દેશમાં બન્યા છે તે દર્શાવવું પડશે. આ નવો નિયમ ભારત કે વિદેશમાં રજિસ્ટર્ડ હોય પરંતુ ભારતીય ગ્રાહકોને સામાન અને સેવાઓ આપતા હોય તેવા તમામ વિક્રેતાઓ પર લાગૂ થશે.
તે ઉપરાંત ઇ-કોમર્સ કંપનીઓએ વેચાણ માટે રાખવામાં આવેલા સામાન અને સેવાઓની કુલ કિંમત અને સાથોસાથ અન્ય ખર્ચાઓનું પણ સંપૂર્ણ વિવરણ આપવાનું રહેશે. તે ઉપરાંત વસ્તુની અવધિ ક્યારે સમાપ્ત થાય છે તે પણ દર્શાવવું પડશે.
જે વિક્રેતાઓ ઈ-કોમર્સ કંપનીઓના માધ્યમથી વસ્તુઓ અને સેવાઓના વેચાણની રજૂઆત કરે છે તેમણે ઈ-કોમર્સ કંપનીઓને આ જાણકારી આપવી પડશે જેથી કંપનીની વેબસાઈટ પર તેને પ્રમુખતાથી દર્શાવી શકાય.
ઇ-કોમર્સ કંપનીઓ હવે અયોગ્ય રીતે લાભ કમાઇ લેવા તેમના પ્લેટફોર્મ પર રજૂ થયેલી વસ્તુઓ કે સેવાઓના ભાવમાં ગરબડ કરવાની અને ગ્રાહકો સાથે ભેદભાવ કરવાની કે મનફાવે તે રીતે ગ્રાહકોને વસ્તુ નહીં વેચી શકે.
તે ઉપરાંત ઇ-કોમર્સ કંપનીઓએ ચૂકવણી માટેની ઉપલબ્ધ પદ્વતિઓ અને તેની સુરક્ષા અને સલામતી અંગે ગ્રાહકોને અવગત કરવા પડશે. ઇ-કોમર્સ કંપનીઓએ વિક્રેતા અંગે જાણકારી, તેમનું સરનામુ, ગ્રાહકો માટે સંપર્ક નંબર વગેરે જાણકારી પણ આપવી પડશે. તે ઉપરાંત વિક્રેતાનું રેટિંગ હોય તો તે અંગે પણ ગ્રાહકને જાણ કરવી પડશે.
આ ઉપરાંત જો કોઇ ઇ-કોમર્સ કંપની ગ્રાહકો સાથે છેતરપિડીં કરશે અથવા ઉપભોકતા સંરક્ષણના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની વિરુદ્વ દંડ સહિત જેલની જોગવાઇ પણ કરવામાં આવી છે. સરકાર એ આ નિયમ લાગુ કર્યા બાદ હવે ગ્રાહકોને તેના હકની લડાઇ લડવી વધુ સરળ બનશે અને તેઓને સંપૂર્ણ ન્યાય પણ મળશે.
(સંકેત)