- કોરોના વાયરસની મહામારી દરમિયાન ભારતમાં આર્થિક વૃદ્વિ ઘટી
- સરકારી માલિકીની બેંકોની લોન ગુણવત્તા વધુ કથળી
- મૂડીઝે ચાર સરકારી માલિકીની બેંકોને ડાઉનગ્રેડ કરી
કોરોના વાયરસની મહામારીને લીધે દેશના અર્થતંત્રમાં અનિશ્વિતતા જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ કેટલીક સરકારી બેંકોની લોન ગુણવત્તા પણ કથળી રહી છે. આ જ કારણોસર ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સે ચાર સરકારી માલિકીની બેંકોને ડાઉનગ્રેડ કરી છે.
મૂડીઝે સરકારી માલિકીની ચાર બેંકો – બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની શાખ યોગ્યતા ઘટાડીને B1 કરી દીધી, જે અગાઉની Ba3ની ઉંચી યીલ્ડ કેટેગરીથી એક સ્તર નીચે છે.
મૂડીઝે પોતાના અહેવાલમાં ભારતને ટાંકીને કહ્યું કે, કોરોના વાયરસની મહામારીથી લાગેલા ફટકાએ ભારતની આર્થિક વૃદ્વિમાં પહેલેથી જ સાર્વત્રિક મંદીને વધારી દીધી છે, દેવાદારોની ક્રેડિડ પ્રોફાઇલને નબળી પાડી છે અને ભારતીય બેંકોની સંપત્તિની ગુણવત્તાને નુકસાન પહોંચાડ્યું છે.
ચાર ધિરાણકર્તાઓનું આઉટલૂક નેગેટિવ છે. પંજાબ નેશનલ બેંકનું આઉટલુક પણ સ્ટેબલમાંથી બદલીને નેગેટિવ કરવામાં આવ્યું છે અને તેનું રેટિંગ Ba1 કરાયું છે. નેગેટિવ આઉટલૂક બેંકોની નાણાકીય સદ્વરતા માટે વધુ નકારાત્મક જોખમો તરફ ધ્યાન દોરે છે. તે દેશના અનિશ્વિતતા ભર્યા સંચાલકિય વાતાવરણ માટે દોષી ગણાવે છે.
બીજી તરફ ઘરોમાં લાંબા સમય સુધી નાણાંકીય તણાવ, રોજગારી સર્જનમાં ઘટાડો અને નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ પાસે તરલતાની અછતને કારણે NPAમાં વધારો થશે, જેનાથી બેંકો દ્વારા બેલેન્સ શીટને ક્લિન કરવાની કવાયતમાં વિલંબ થશે. રેટિંગ એજન્સી મૂડીઝે બેંકોની NPAમાં વૃદ્વિને લઇને ચેતવણી આપી છે.
(સંકેત)