Site icon Revoi.in

સ્ટિમ્યુલસ પેકેજથી ભારતનું અર્થતંત્ર વેગવંતુ બનશે: મૂડી’ઝ

Social Share

નવી દિલ્હી: દેશના અર્થતંત્રને લઇને મૂડી’ઝ ઇન્વેસ્ટર સર્વિસે ફરી આગાહી કરી છે. મૂડી’ઝ ઇન્વેસ્ટર સર્વિસે ચાલુ વર્ષ માટે દેશના વૃદ્વિ દરના અંદાજને સુધારતા -10.06 ટકા રહેવાની આગાહી કરી છે. અગાઉ એજન્સીએ દેશનો વૃદ્વિદર -11.5 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. મૂડી’ઝના મતે કેન્દ્ર સરકારે જાહેર કરેલા વધારાના સ્ટિમ્યુલસ પેકેજથી દેશના ઉત્પાદન ક્ષેત્રને ફાયદો થશે તેમજ રોજગારીનું પણ સર્જન થશે. આ કારણોસર લાંબા ગાળામાં દેશનું અર્થતત્ર ફરી પાટા પર આવશે.

આપને જણાવી દઇએ કે ગત સપ્તાહે કેન્દ્ર સરકારે અર્થંતંત્રને વેગવંતુ બનાવવા માટે રૂ.2.7 લાખ કરોડનું સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કર્યું હતું. જેમાં ઉત્પાદન એકમો માટે ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન યોજના અને નાના ઉદ્યોગોને ધિરાણ ગેરેન્ટીનો સમાવેશ થયો હતો. રેટિંગ એજન્સીના મતે માળખાકીય વિકાસની સાથે ઉત્પાદન ક્ષેત્ર માટે વધારાના પ્રોત્સાહનો અને રોજગારી વધારવાના પગલાં સકારાત્મક છે અને તે આગામી સમયમાં વૃદ્વિને બળ પૂરું પાડી શકે તેમ છે.

મૂડી’ઝે જણાવ્યું કે, અમે નાણાં વર્ષ 2020 (માર્ચ 2020-એપ્રિલ 2021)નો વાસ્તવિક ફુગાવા આધારિત જીડીપી અંદાજ સુધારીને -10.6 ટકા કર્યો છે જે અગાઉ -11.5 ટકા રહેવાનો અંદાજ હતો. સપ્ટેમ્બરમાં વૈશ્વિક સંસ્થાએ ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર -11.5 ટકા રહેશે તેમ જણાવ્યું હતું.

આગામી નાણાં વર્ષ માટેનો વૃદ્ધિનો અંદાજ 10.8 ટકા છે. મધ્યમ ગાળામાં જીડીપી દર 6 ટકા આસપાસ પહોંચી શકે છે.

મૂડી’ઝના મત અનુસાર સરકારનું ઋણ જીડીપીના 89.3 ટકા વધી શકે છે અને આગામી વર્ષમાં તે ઘટીને 87.5 ટકા થશે. વર્ષ 2019માં સરકારનું ઋણ જીડીપીના 72.2 ટકા હતું. નાણાકીય ખાધ જીડીપીના 12 ટકા રહી શકે છે. જેમાં ઉપર તરફનું જોખમ રહેલું છે. મધ્યમ ગાળામાં તે ઘટીને 7 ટકા સુધી સિમિત રહેવાનો અંદાજ છે. આમ છત્તાં ખાધ 2019ના 6.5 ટકાના અંદાજ કરતાં વધુ રહેવાની ભીતિ છે.

નોંધનીય છે કે, કેલેન્ડર વર્ષ માટે મૂડી’ઝે દેશનો આર્થિક વૃદ્ધિનો અંદાજ સુધારીને -8.9 ટકા કર્યો હતો જે અગાઉ -9.6 ટકા હતો. મકાનોના વેચાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટને સમર્થન, ખાતર ઉપર સબ્સિડી સહિતના કેટલાક પગલાં કેન્દ્ર સરકારે દિવાળી અગાઉ લીધા હતા. એકંદરે રૂ. 2.65 લાખ કરોડની પ્રવાહિતા વધારવાનો સરકારે પ્રયાસ કર્યો હતો જેને પગલે આગામી સમયમાં આર્થિક વૃદ્ધિને વેગ મળવાની સંભાવના છે.

(સંકેત)