– દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉન લાગુ કરાયું હતું
– લોકડાઉન લાગુ થવાથી અનેક વ્યવસાયો બંધ થઇ ગયા હતા
– જો કે આ આર્થિક સંકટમાંથી તેઓ બહાર આવી જશે તેવો ઉદ્યોગોને વિશ્વાસ
દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં રાખવા માટે દેશભરમાં માર્ચ મહિનાના અંત ભાગથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જેને કારણે અનેક નાના અને મધ્યમ કક્ષાના વ્યવસાયો બંધ થયા હતા. જો કે તેમ છત્તા, 81 ટકા સુક્ષ્મ ઉદ્યોગોને વિશ્વાસ છે કે તેઓ કોવિડ-19 પછી આ સંકટમાંથી બહાર આવી જશે. એક સર્વેમાં આ માહિતી સામે આવી છે.
ગ્લોબલ એલાયન્સ ફોર માસ આંત્રપ્રિન્યોરશિપ દ્વારા ક્રી વિશ્વ વિદ્યાલયમાં લીડના સહયોગથી 6 મહિનાને આવરી લઇને એક સર્વે હાથ ધરાયો હતો. આ સર્વેના પ્રારંભિક પરિણામો અનુસાર, 57 ટકા માઇક્રો-એન્ટરપ્રાઇઝનું કહેવું છે કે હવે તેમની પાસે બજારમાં ટકી રહેવા માટે બિલકુલ રોકડ નથી. સર્વેમાં કુલ 1500 સૂક્ષ્મ ઉદ્યોગોના અભિપ્રાય લેવામાં આવ્યા છે. આમાંથી 40 ટકાએ કહ્યું હતું કે તેઓ ખર્ચને પહોંચી વળવા માટે લોન પર નિર્ભર રહે છે.
જો કે, માત્ર 14 ટકા લોકો જ ઔપચારિક ક્રેડિટ સ્રોતોથી દેવું એકત્રિત કરવામાં સક્ષમ થઈ શક્યા છે. સુધારેલી લાયકાત અનુસાર રૂ. 1 કરોડ સુધીના રોકાણ અને 5 કરોડ રૂપિયા સુધીના ધંધાને હવે માઇક્રો એન્ટરપ્રાઇઝ તરીકે ગણવામાં આવે છે. ગેમના સહ-સ્થાપક મદન પાદકીએ કહ્યું કે કોવિડ -19 ની ભારતીય અર્થવ્યવસ્થા, ખાસ કરીને સૂક્ષ્મ ઉદ્યોગો પર વિનાશકારી અસર પડી છે. ભારતના કુલ ધંધામાં માઇક્રો એન્ટરપ્રાઇઝનો આશરે 99 ટકા હિસ્સો છે. આ સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે મહિલા ઉદ્યોગકારોને પુરુષો કરતાં વધુ સ્થાનિક પડકારોનો સામનો કરવો પડ્યો છે.
નોંધનીય છે કે, દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યા બાદ સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જેને કારણે અનેક વ્યવસાયો અને આર્થિક ગતિવિધિઓ સ્થગિત કરવામાં આવી હતી. આ કારણોસર અનેક લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગો આર્થિક સંકટમાં મૂકાયા હતા. મૂડી પ્રવાહ પણ ઘટવાને કારણે આર્થિક સંકડામણ પણ અનુભવાઇ હતી. જો કે હવે અનલોક 3 દરમિયાન મોટા ભાગના વ્યાવસાયિક છૂટછાટો અપાતા ફરીથી સ્થિતિ પૂર્વવત થશે તેવી આશા સેવાઇ રહી છે.
(સંકેત)