- કોરોના મહામારી વચ્ચે પણ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્ડસ્ટ્રીઝ માટે વર્ષ 2020 સારું રહ્યું
- મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝની સંપત્તિ રૂ.29.71 લાખ કરોડે પહોંચી
- ઇક્વિટી માર્કેટમાં તેજીને કારણે મ્યુચ્યુઅલ ફંડની એસેટ્સમાં વૃદ્વિ
નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે પણ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્ડસ્ટ્રીઝ માટે વર્ષ 2020 એકંદરે સારું સાબિત થયું છે અને એસેટ્સમાં સતત વૃદ્વિ નોંધાઇ છે. મ્યુ. ફંડ્સની એસેટ્સ બેઝ ડિસેમ્બર 2020ના અંતે સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળામાં 7.6 ટકા વધીને 29.71 લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગઇ છે. ખાસ કરીને ઇક્વિટી માર્કેટમાં તેજીને કારણે મ્યુચ્યુઅલ ફંડની એસેટ્સમાં વૃદ્વિ જોવા મળી છે.
એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના આંકડા અનુસાર મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એસેટ્સ અંડર મેનેજમેન્ટ ગત જુલાઇથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 27.6 લાખ કરોડ રૂપિયા હતી. આ એસેટ્સ કુલ 45 MF હાઉસની હતી. ઇક્વિટી માર્કેટમાં તેજીથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં તેની અગાઉના ત્રિમાસિક ગાળાની તુલનાએ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એસેટ્સ વધી ગઇ છે.
ગત ત્રણ મહિનામાં શેરબજારની શાનદાર તેજીથી મ્યુ. ફંડસ કંપનીઓની એસેટ્સમાં વધારો થયો છે. નિફ્ટી-50 ઇન્ડેક્સ ઓક્ટોબરમાં 3.15 ટકા, નવેમ્બરમાં 12.02 ટકા અને ડિસેમ્બરમાં 14.9ટકા વધ્યો છે. સંચાલિત કુલ 42 એસેટ્સ મેનેજમેન્ટ કંપનીઓ પૈકી ટોચના ચાર ફંડ હાઉસ – એસબીઆઇ MF, એચડીએફસી MF, આઇસીઆઇસીઆઇ પ્રડેન્શિયલ MF, આદિત્ બિરલા સનલાઇફનો માર્કેટમાં દબદબો રહ્યો અને મ્યુ. ફંડ્સ ઉદ્યોગની કુલ એસેટ્સમાં તેની હિસ્સેદારી 50 ટકા રહી છે.
ગત સપ્ટેમ્બર ક્વાર્ટર દમરિયાન MF ઉદ્યોગની એસેટ્સમાં 12 ટકાની વૃદ્ધિ થઇ હતી. જેનું મુખ્ય કારણ ઇક્વિડી સાથે જોડાયેલી MF સ્કીમની મૂલ્યમાં વૃદ્ધિ છે.
ભારતીય સ્ટેટ બેન્કનું ફંડ એકમ એસબીઆઇ MF ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન દેશમાં સૌથી મોટું ફંડ હાઉસ બન્યુ છે. આ દરમિયાન તેનું એસેટ્સ બેઝ 4.56 લાખ કરોડ રૂપિયા થયુ જે પાછલા ક્વાર્ટરમાં 4.21 લાખ કરોડ રૂપિયા હતુ. આમ ત્રિમાસિક તુલનાએ તેની એસેટ્સ બેઝ 8.3 ટકા વધી છે. બીજા ક્રમે એચડીએફસી MF છે અને તેની એસેટ્સ બેઝ વધીને 3.89 લાખ કરોડ રૂપિયા થઇ છે જે અગાઉના ક્વાર્ટરમાં 3.75 લાખ કરોડ રૂપિયા હતી.
(સંકેત)