Site icon Revoi.in

ભારતને ઇ-વ્હીકલના લક્ષ્યાંકને પૂર્ણ કરવા રૂ.12.5 લાખ કરોડના રોકાણની આવશ્યકતા: અભ્યાસ

Social Share

નવી દિલ્હી: ભારતમાં પણ હવે ધીરે ધીરે ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ વધી રહ્યું છે અને કદાચ એ જ વધતા જતા પ્રદૂષણને કાબૂમાં લેવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. જો ભારત પોતાનું ઇલેક્ટ્રિક વાહન (ઇવી) 2030નું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક પ્રાપ્ત કરશે, તો તેનું ઇવી માર્કેટ આશરે 14.42 લાખ કરોડ રૂપિયા થઇ શકે છે. જો કે આ લક્ષ્યાંક સિદ્વ કરવા માટે તેમાં આશરે 12.50 લાખ કરોડના રોકાણની આવશ્યકતા રહેશે તેવું એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે.

સેન્ટર ફોર એનર્જી ફાઇનાન્સ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર માર્ચ 2020ના અંતમાં ભારતમાં નોંધાયેલા કુલ ઇ-વ્હીકલ્સની સંખ્યા માત્ર પાંચ લાખ હતી. વર્ષ 2030 સુધીમાં તમામ વાહન સેગમેન્ટમાં ઇવીનું વેચાણ 10 કરોડથી વધુ થઇ શકે છે, જે હાલના બજાર કદ કરતાં 200 ગણું હશે.

ભારતની ઇવી મહત્વાકાંક્ષાને સાકાર કરવા માટે નાણાંકીય વર્ષ 2030 સુધીમાં 158 ગીગાવોટની અંદાજીત વાર્ષિક બેટરની ક્ષમતા જરૂર રહેશે. આ બજારમાં મોટા પાયે સ્થાનિક નિર્માતાઓને તકો પ્રદાન કરશે. વર્ષ 2030 સુધીમાં ભારતના ઇવી 2030ના લક્ષ્યાંક પ્રમાણે, તમામ કોમર્શિયલ કારમાંથી 70 ટકા, ખાનગી કારના 30 ટકા, બસોના 40 ટકા અને ટુ-વ્હીલરના 80 ટકા તેમજ થ્રી વ્હીલર 80 ટકા વેચવામાં આવશે તેવો નીતિ આયોગનો એક લક્ષ્યાંક છે.

અભ્યાસમાં એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે કે જો ભારત ઇલેક્ટ્રિક વાહન 2030નું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક પ્રાપ્ત કરી લેશે, તો તે દેશના ઇવી માર્કેટની કિંમત અંદાજીત 14.42 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ દરમિયાન ઓરિજીનલ ઉપકરણ નિર્માતા, બેટરી નિર્માતાઓ, ચાર્જ પોઇન્ટ ઓપરેટરો અને છેવાડાના ગ્રાહકો માટે મૂડીની ઉપલબ્ધતા અને વ્યાજબી ભાવ મહત્વના રહેશે.

નોંધનીય છે કે આ લક્ષ્યાંક પરિપૂર્ણ કરવા માટે ભારતને નાણાકીય વર્ષ 2030 સુધી ઘરોમાં સ્થિત ખાનગી ચાર્જિંગ પોઇન્ટથી વધારે 29 લાખથી વધુ જાહેર ચાર્જિંગ પોઇન્ટની આવશ્યકતા રહેશે.

(સંકેત)