પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા: ઇન્કમટેક્સનું નવું પોર્ટલ થયું લૉન્ચ, પહેલા જ દિવસે નથી થઇ રહ્યું લોગઇન
- કરદાતાઓને ઇન્કમ ટેક્સના નવા વેબ પોર્ટલમાં આવી રહી છે સમસ્યાઓ
- પોર્ટલ લોન્ચ થયાના પહેલા જ દિવસે પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો
- અનેક લોકો લોગીન કરવાના પ્રયાસોમાં અસમર્થ રહ્યા હતા
નવી દિલ્હી: આવકવેરા વિભાગે કરદાતાઓ માટે ગઇકાલે વધુ સુવિધાઓથી સજ્જ નવું પોર્ટલ લૉન્ચ કર્યું છે. વિભાગે કરદાતાઓ માટે નવું ઇ-ફાઇલિંગ વેબ પોર્ટલ www.incometax.gov.in રજૂ કર્યું છે. જો કે પોર્ટલ લૉન્ચ થવાની સાથે જ પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે. અનેક લોકોએ જ્યારે પોર્ટલ ઓપન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મહત્તમ લોકો લોગીન કરવામાં અસમર્થ રહ્યા હતા.
બિનજરૂરી માહિતીઓ આપવાની ઝંઝટથી મુક્તિ અપાવતા આ પોર્ટલને ગઇકાલથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લોકો સવારથી પોર્ટલ શરૂ થવાની પ્રતિક્ષા કરી રહ્યા હતા અને આખરે મોડી સાંજે નવું પોર્ટલ જોવા મળ્યું હતું.
સવારથી નવા પોર્ટલને લોગીન કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. હોમ પેજ લોડ થવામાં પણ સમય લે છે અને અનેક પ્રયાસ બાદ જો લોગીન થઇ પણ જાય તો આગળના એક્સેસ કરી શકતા નથી. આ પોર્ટલથી કરદાતાઓને ખૂબ જ અપેક્ષા હતી પણ પહેલા જ દિવસે આ સમસ્યાથી કરદાતાઓમાં નિરાશા જોવા મળી છે.
નવા પોર્ટલની શરૂઆત સાથે શરૂઆતના સમયગાળામાં જૂનું પોર્ટલ પણ કાર્યરત રખાશે તેવા અનુમાન હતા પરંતુ જૂનું પોર્ટલ પણ કામ કરતું ન હોવાથી મુશ્કેલીઓ વધી છે.ટેકસ પેયર્સ , કન્સલ્ટન્ટ અને સીએ પોર્ટલ લોગીન કરવા ગઈકાલથી મથામણ કરી રહ્યા છે.
જૂનું પોર્ટલ ખાસ કરીને રિટર્ન ભરવાની છેલ્લી તારીખો દરમ્યાન ઓવર લોડના કારણે ક્રેશ થઇ જતું હતું. નવા પોર્ટલથી સમસ્યાઓ હળવી થવાની અને કામગીરી ઝડપી બનવાની આશાઓ છે.