Site icon Revoi.in

NHAIના દેવામાં સતત વધારો, દેવું રેકોર્ડ રૂ.3.17 લાખ કરોડે પહોંચ્યું, ટોલ રેવેન્યુમાં 4%નો ઘટાડો

Social Share

નવી દિલ્હી: નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાન પર હવે દેવાનો ભાર સતત વધી રહ્યો છે. નાણાંકીય વર્ષ 2021ના અંતમાં NHAIનું કુલ દેવું વધીને 3.17 લાખ કરોડની નવી ઊંચાઇએ પહોંચ્યું છે. જે માર્ચ 2020ના 2.49 લાખ કરોડ રૂપિયાના દેવાથી 27 ટકા વધુ છે. ઇકરાના વિશ્લેષણ અનુસાર નાણાંકીય વર્ષમાં NHAIની ટોલ રેવેન્યૂ આશરે 4 ટકા ઘટીને 26,000 કરોડ રૂપિયા નોંધાઇ છે.

આ જ કારણોસર નાણાંકીય વર્ષ 2021માં નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાની આર્થિક જવાબદારી અને ટોલ રેવેન્યૂ વચ્ચેનું અંતર વધીને 12.13 ગણા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. પાંચ વર્ષ અગાઉ વર્ષ 2016માં આ ગુણોત્તર 2.5 ગણો અને નાણાંકીય વર્ષ 2014માં 2.1 ગણો હતો.

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NTPC અને ONGCને બાદ કરતા દેશમાં એનબીએફસી સેક્ટરની સૌથી વધુ દેવું ધરાવતી કંપની થઇ ગઈ છે. ઇન્ડિયા રેટિંગ્સ અનુસાર એનએચએઆઈ FY2022માં હાઇવે પ્રોજેક્ટ માટે 65,000 કરોડ રૂપિયાની વધારાની લોન લેવાની તૈયારી કરી રહી છે. તેનાથી આગામી વર્ષના માર્ચ સુધીમાં તેનું કુલ દેવું વધીને 3.8 લાખ કરોડ રૂપિયા થઇ જશે.

ટોલ રેવન્યુની સાથે એનએચએઆઈની નેટવર્થ અથવા શેરહોલ્ડરોની ઇક્વિટી પણ નીચે આવી છે. કેર રેટીંગ્સે તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે એનએચએઆઈની બાહ્ય ઉધારી માર્ચ 2017માં 75,385 કરોડ રૂપિયા હતી જે નાણાંકીય વર્ષ 2021ના અંતમાં વધીને 3,16,894 કરોડ રૂપિયા થઇ ગઈ છે.