- સમગ્ર વિશ્વમાં અનેક માર્કેટમાં થાય છે નકલી વસ્તુઓનું વેચાણ
- અમેરિકાએ આવા 39 ઑનલાઇન પ્લેટફોર્મ-માર્કેટની યાદી જાહેર કરી હતી
- આ યાદીમાં ભારતના સ્નેપડીલ સહિત 4 માર્કેટનો પણ કર્યો સમાવેશ
વોશિંગ્ટન: સમગ્ર વિશ્વમાં અનેક જગ્યાએ નકલી સામાનનું વેચાણ થતું જ હોય છે ત્યારે અમેરિકાના વેપારી પ્રતિનિધિ રોબર્ટ લાઇટહાઇઝરે વિશ્વના 39 ઓનલાઇન પ્લેટફોર્મ તેમજ 34 બજારોને નકલી સામાન માટેના હબ ગણાવ્યાં હતા, એમાં ભારતના પણ ચાર બજારોનો સમાવેશ થતો હતો અને એક ઓનલાઇન પ્લેટફોર્મ સ્નેપડીલને પણ આ નોટોરિયલ લિસ્ટમાં મૂકાયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમેરિકાના વેપારી પ્રતિનિધિ રોબર્ટ લાઇટહાઇઝરે એક લિસ્ટ જાહેર કર્યું હતું, જેમાં વિશ્વના કુલ 39 ઓનલાઇન પ્લેટફોર્મને કુખ્યાત ગણાવાયા હતા. તે ઉપરાંત વિશ્વના 34 માર્કેટને પણ નકલી ચીજવસ્તુઓના વેચાણના પ્રોત્સાહક ગણાવાયા હતા. અમેરિકાના મતે આ સ્થળોએ ઇન્ટેલએક્ચયુઅલ પ્રોપર્ટી એક્ટનું કોઇ જ પાલન થતું નથી અને નકલી ચીજવસ્તુઓ કોઇ જ રોકટોક વગર વેચવામાં આવે છે.
આ લિસ્ટમાં ભારતનું એક ઓનલાઇન પ્લેટફોર્મ સ્નેપડીલ પણ સામેલ છે. તે ઉપરાંત ભારતના ચાર વિખ્યાત શોપિંગ કોમ્પ્લેક્સને પણ આ લિસ્ટમાં સામેલ કરાયા હતા. જેમાં દિલ્હીના પાલિકા બજાર અને ટેંક રોડ, મુંબઇનું હિરાપન્ના તેમજ કોલકાત્તાનું કિડરપોર માર્કેટનું નામ છે.
નોંધનીય છે કે વર્ષ 2020માં નકલી ચીજવસ્તુઓ માટે વગોવાયેલા આ માર્કેટનું લિસ્ટ સત્તાવાર રીતે અમેરિકન ટ્રેડ રિપ્રેઝન્ટેટિવની ઓફિસમાંથી જારી કરાયું હતું. ઑનલાઇન પ્લેટફોર્મમાં બ્રાન્ડેડ ચીજવસ્તુઓના નામે નકલી ચીજવસ્તુઓ ગ્રાહકોને પધરાવી દેવામાં આવે છે અને તેનું ચલણ વધ્યું છે. અમેરિકાના વેપારી પ્રતિનિધિઓએ આકરી ટીકા કરીને આ પ્રકારના નકલી વસ્તુ વેચતા પ્લેટફોર્મ સામે આકરા પગલાં લેવાનું સૂચન કર્યું હતું.
(સંકેત)