- દેશના ઇક્વિટી માર્કેટમાં તેજીની સાથોસાથ ગોલ્ડ ઇટીએફમાં પણ રોકાણ વધ્યું
- ઑક્ટોબરમાં ગોલ્ડ ઇટીએફમાં 384 કરોડ રૂપિયાનો નેટ ઇનફ્લો જોવા મળ્યો
- દેશમાં પ્રવર્તમાન સમયમાં 11 ઇટીએફ સ્કીમ કાર્યરત છે
નવી દિલ્હી: દેશનું ઇક્વિટી માર્કેટ ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યું હોવા છત્તાં રોકાણકારોનું ગોલ્ડ ઇટીએફ પ્રત્યેનું આકર્ષણ હજુ પણ યથાવત જોવા મળ્યું છે. એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના આંકડા અનુસાર, ઑક્ટોબરમાં ગોલ્ડ ઇટીએફમાં રૂપિયા 384 કરોડનો નેટ ઇનફ્લો જોવા મળ્યો છે. દેશમાં એકંદરે 11 ઇટીએફ સ્કીમ કાર્યરત છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગોલ્ડ ઇટીએફની એકંદરે એસેટ અન્ડર મેનેજમેન્ટ વધી રૂપિયા 13969 કરોડ રહી છે. ઑક્ટોબરમાં ઇક્વિટી બજારનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સમાં ચાર ટકા વધારો થયો હતો.
30 સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા ત્રણ મહિનામાં ગોલ્ડ ઈટીએફસમાં રૂપિયા 2400 કરોડનો નેટ ઈન્ફલોઝ રહ્યો છે. કોરોનાને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી રોકાણકારો પોતાના જોખમી એસેટસમાં રોકાણને હેજ કરવા ગોલ્ડમાં રોકાણ કરી રહ્યા છે.
વર્તમાન વર્ષમાં સોનાના ભાવ પર નજર કરીએ તો ફ્યુચર્સ બજારમાં રૂપિયા 56,200ની રેકોર્ડ સપાટીએ જોવા મળ્યા હતા. જો કે ત્યારબાદ સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં તેમાં પીછેહઠ જોવા મળી હતી. વર્તમાન કેલેન્ડર વર્ષમાં રોકાણકારોને ગોલ્ડ પર 30 ટકાથી વધુનું વળતર છૂટી રહ્યું છે.
અમેરિકન ફેડરલ રિઝર્વ, બેંન્ક ઓફ ઇન્ગલેન્ડ તથા યુરોપિયન સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજ દર ઘટાડી રેકોર્ડ નીચી સપાટીએ લઇ જવાયા છે જેને કારણે રોકાણકારો સોનામાં રોકાણ તરફ વળી રહ્યા છે.
નોંધનીય છે કે, અમેરિકાના નવા પ્રમુખની વરણી હવે સ્પષ્ટ થતા કોરોનાને લગતા સ્ટીમ્યુલસ માટેનો માર્ગ મોકળો થશે જે સોનાની રેલીને ટેકો પૂરો પાડશે તેવો વિશ્લેષકોએ મત વ્યક્ત કર્યો હતો.
(સંકેત)