ઓટો ઉદ્યોગ માટે વર્ષ 2022 બનશે પડકારજનક, ઓમિક્રોનથી પેસેન્જર વ્હિકલની સપ્લાય થશે પ્રભાવિત
- ઓટો ઉદ્યોગ માટે આવનારો સમય વધુ પડકારજનક
- ઓમિક્રોન વેરિએન્ટથી પેસેન્જર વ્હિકલની સપ્લાય પ્રભાવિત થશે
- ઓટો ઇન્ડસ્ટ્રીઝ માટે પડતા પર પાટું જેવો ઘાટ સર્જાશે
નવી દિલ્હી: સેમીકન્ડક્ટરની અછત અને વેચાણમાં મંદીને કારણે ભારતનો ઓટો ઉદ્યોગ પહેલા જ સંકટમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે હવે ઓમિક્રોન વેરિએન્ટના વધતા કહેરને કારણે પેસેન્જર વ્હિકલની સપ્લાય પ્રભાવિત થવાની પણ ચિંતા સર્જાઇ છે અને ઓટો ઉદ્યોગની મુશ્કેલી વધી શકે છે.
જો ઓમિક્રન વેરિએન્ટનું સંક્રમણ ભયજનક સ્તરે વધે અને સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કરતા દેશોમાં અચાનક લોકડાઉન લગાવવાના સંજોગો ઉપસ્થિત થાય તો પેસેન્જર વ્હિકલની સપ્લાય પર પ્રતિકૂળ અસર થઇ શકે છે. આવું બને તો સેમિકન્ડક્ટરની અછતની સ્થિતિ આગામી વર્ષના બીજા છ માસિક ગાળામાં સામાન્ય થવાની અપેક્ષા છે. ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડિલર્સ એસોસિએશને આ આશંકા વ્યક્ત કરી છે.
સંગઠને જણાવ્યુ કે,”અમે વર્ષ 2022ને તટસ્થ વર્ષ તરીકે જોઈએ છીએ કારણ કે ઓમિક્રોનના સંક્રમણથી વૈશ્વિક સ્તરે ફરી એકવાર ભય પેદા થયો છે. જો ચિપ બનાવતા દેશો લોકડાઉન હેઠળ જાય અથવા ઇલેક્ટ્રોનિક્સ ચિપ-મેકિંગ માટે વર્ક ફોર્મ હોમને પ્રાથમિકતા આપે તો પેસેન્જર વ્હિકલની સપ્લાયમાં વધારે મુશ્કેલી સર્જાઇ શકે છે.
બીજી તરફ સંગઠને એવો પણ આશાવાદ વ્યક્ત કર્યો છે કે, ‘ઓટો ઇન્ડસ્ટ્રી માત્ર વર્ષ 2023 સુધીમાં સંપૂર્ણપણે રિકવર થઈ શકે છે અને જો કોવિડ વાયરસ સંપૂર્ણ મટી જાય તો કોરોના પૂર્વેના સ્તરે પરત ફરી શકે છે.