- લોકડાઉન બાદ લોકોની ખરીદી કરવાની રીતમાં બદલાવ જોવા મળ્યો
- લોકો હવે રિટેલ સ્ટોરમાં જવાને બદલે ઓનલાઇન ઓર્ડર કરી રહ્યા છે
- સરેરાશ બાસ્કેટનું મૂલ્ય 600 રૂપિયાથી વધીને 900 રૂપિયાએ પહોંચ્યું
- આવશ્યક ચીજવસ્તુઓના સરેરાશ ભાવમાં દોઢ ગણો વધારો
ભારતમાં માર્ચ મહિનાથી કોરોનાનું સંક્રમણ શરૂ થયું છે. માર્ચ મહિનાના અંતથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જે 2 મહિના સુધી લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આંશિક ધોરણે દેશમાં ગતિવિધિઓને છૂટ આપવામાં આવી હતી. લોકડાઉન બાદ સૌથી વધુ રિટેલ સેક્ટરમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. લોકોની ખરીદી કરવાની રીતમાં બદલાવ જોવા મળ્યો છે. લોકો હવે રિટેલ સ્ટોરમાં જઇને ખરીદી કરવાને બદલે ઓનલાઇન ઓર્ડર આપી કરિયાણું અને જીવનજરૂરી વસ્તુઓ ઘરે મંગાવી રહ્યા છે.
લોકડાઉન બાદ આવશ્યક ચીજવસ્તુઓના સરેરાશ ભાવ લગભગ દોઢ ગણા સુધી વધી ગયા છે. એનારોક અને રિટેલર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં આ માહિતી પ્રકાશિત કરવામાં આવી છે. રિટેલમાં ફૂડ અને ગ્રોસરીની ડિમાન્ડ ઘણી વધારે છે. રિટેલ સેક્ટરની કંપનીઓએ આ સેક્ટરમાં ઘણો ગ્રોથ અનુભવ્યો છે. લોકડાઉન પહેલા સરેરાશ બાસ્કેટનું મૂલ્ય 650 રૂપિયા હતું જે હવે વધીને 900 રૂપિયાએ પહોંચી ગયું છે.
સેગમેન્ટમાં તેજીની વાત કરીએ તો કસ્ટમર્સ ગ્રોસરી, એપેરલ, ઇલેક્ટ્રોનિક્સ, ફર્નિચર, ક્વિક સર્વિસ રેસ્ટોરેન્ટ્સ સેગમેન્ટમાં વી-શેપમાં રિકવરી જોવા મળવાની આશા છે તેવું રિટેલ કંપનીઓનું કહેવું છે. આગામી બે-ત્રણ ક્વાર્ટરમાં આ તેજી મહત્તમ જોવા મળશે. પર્સનલ કેર, હોમ એસેન્શિયલ સેગમેન્ટમાં આગામી 6 ક્વાર્ટર સુધી સુધારો જોવા મળી શકે છે.
નોંધનીય છે કે, વર્ષ 2019માં કુલ ઓનલાઇન યૂઝર્સમાં માત્ર 15 ટકા ઓનલાઇન શોપર્સ છે. વર્ષ 2026 સુધી આ સંખ્યા 50 ટકા સુધી પહોંચી જશે. વર્ષ 2016માં રિટેલ સેલ્સમાં ડિજીટલ રિટેલનું યોગદાન 8-10 ટકા હતું જે વર્ષ 2021માં 30-35 ટકા પર પહોંચશે.
(સંકેત)