- પી નોટ્સ થકી ભારતીય મૂડીબજારમાં રોકાણમાં વધારો
- જૂન 2020ના અંત સુધી આ રોકાણ વધીને રૂ.62,138 કરોડ
- આ રોકાણમાં સતત ત્રીજા મહિને વધારો નોંધાયો
કોરોના સંકટને કારણે અર્થતંત્રમાં ભલે મંદીનો માહોલ હોય પરંતુ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. ભારતીય મૂડી બજારમાં પાર્ટિસિપેટરી નોટ્સ થકી જૂન 2020ના અંત સુધીમાં રોકાણ વધીને રૂ.62,138 કરોડનું થયું છે. આ રોકાણમાં સતત ત્રીજા મહિને વધારો જોવા મળ્યો છે.
શું હોય છે પી નોટ્સ ઇસ્યુ
કેટલાક વિદેશી રોકાણકારો જે ભારતના શેરબજારમાં રોકાણ કરવા ઇચ્છુક છે પરંતુ પોતે પ્રત્યક્ષ નોંધણી કરાવવા નથી ઇચ્છતા એવા વિદેશી રોકાણકારોને રજીસ્ટર્ડ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો દ્વારા પી-નોટ્સ ઇસ્યુ કરવામાં આવે છે.
ભારતીય બજારોમાં ઈક્વિટી, ડેટ, હાઈબ્રિડ સિક્યુરિટીઝ અને ડેરિવેટીવ્ઝમાં પી-નોટ રોકાણોનું મૂલ્ય જૂન 2020 સુધીમાં રૂ.62,138 કરોડ રહ્યું છે. જે મે 2020ના અંતે રૂ.60,027 કરોડ રહ્યું હતું. આ અગાઉ એપ્રિલ 2020ના અંતે રૂ.57,100 કરોડનું રહ્યું હતું.
આ રોકાણ માર્ચ 2020ના અંતે રૂ.48,006 કરોડના 15 વર્ષના તળીયે ગયું હતું. જે ઓક્ટોબર 2004ના રોકાણ લેવલ બાદના નીચા સ્તરે રહ્યું હતું. એ સમયે પી-નોટ રોકાણો ભારતીય બજારોમાં રૂ.44,586 કરોડ થયા હતા.
નોંધનીય છે કે, કોરોના મહામારીને કારણે ભારતીય અર્થતંત્રમાં અનિશ્વિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ વિદેશી રોકાણકારો તેનો લાભ લઇને રિર્ટન પ્રાપ્ત કરવા માટે મોટા પાયે રોકાણ કરી રહ્યા છે.
(સંકેત)