- કોરોના સંકટ વચ્ચે પણ વિદેશી રોકાણકારોનું ભારતીય શેરબજારમાં આકર્ષણ યથાવત્
- ડિસેમ્બર 2020માં ભારતીય શેરબજારમાં પી-નોટ્સ રોકાણ વધીને 87,132 કરોડ રૂપિયા નોંધાયું
- નવેમ્બર 2020માં પી-નોટ્સ ઇન્વેસ્ટમેન્ટ 83,114 કરોડ રૂપિયા નોંધાયું હતું
નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં હાલમાં તેજીનો ઘોડો દોડી રહ્યો છે અને કોરોના સંકટ વચ્ચે પણ વિદેશી રોકાણકારો દ્વારા જંગી મૂડીરોકાણ કરવામાં આવી રહ્યું છે. જેના પગલે ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારો દ્વારા પાર્ટિસિપેટરી નોટ્સ એટલે કે P-notes મારફતે કરવામાં આવતું મૂડીરોકાણ સતત વધી રહ્યું છે અને તે ડિસેમ્બર 2020માં 31 મહિનાની ઉચ્ચ સપાટીએ પહોંચ્યું છે. મે-2018માં 83,497 કરોડનું P-notes રોકાણ નોંધાયું હતું.
સેબી અનુસાર ડિસેમ્બર 2020માં ભારતીય શેરબજારમાં પી-નોટ્સ રોકાણ વધીને 87,132 કરોડ રૂપિયાએ પહોંચી ગયું છે જે નવેમ્બર 2020માં 83,114 કરોડ રૂપિયા નોંધાયું હતું.
P-notes એ રજિસ્ટર્ડ ફોરેન પાર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI) દ્વારા વિદેશી રોકાણકારોને ઇશ્યૂ કરવામાં આવે છે તેઓ ભારતીય શેરબજારમાં કોઇ પણ પ્રકારની સીધી નોંધણી કરાવ્યા વગર ઇન્વેસ્ટમેન્ટ કરવા ઇચ્છે છે. અલબત્ત આવા વિદેશી રોકાણકારોએ ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા કેટલીક તપાસ-સર્વેલન્સની પ્રોસેસમાંથી પસાર થવુ જ પડે છે.
ડિસેમ્બર 2020માં જે પી-નોટ્સ રોકાણ આવ્યું છે તેના વિશે વાત કરીએ તો કુલ 87,132 કરોડ રૂપિયાનું પી-નોટ્સ રોકાણ આવ્યું. તેમાંથી 78,870 કરોડ રૂપિયાનું ઇક્વિટી માર્કેટમાં, 7562 કરોડનું ડેટ માર્કેટમાં તેમજ 700 કરોડ રૂપિયાનું હાઇબ્રિડ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ થયું છે.
નોંધનીય છે કે કોરોના સંકટ વચ્ચે પણ વિદેશી રોકાણકારોનું ભારતીય શેરબજાર પ્રત્યેનું આકર્ષણ યથાવત્ જોવા મળ્યું છે. કોરોના કાળ વચ્ચે પણ વર્ષ 2020માં પી-નોટ્સ ઇન્વેસ્ટમેન્ટમાં 20 ટકાન વૃદ્વિ થઇ છે.
(સંકેત)