- માર્કેટમાં ક્રિપ્ટોકરન્સીની બોલબાલા વચ્ચે પેપાલે લીધો નિર્ણય
- પેપાલે હવે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં કર્યો પ્રવેશ
- હવે પેપાલ પર ક્રિપ્ટોકરન્સી થકી ખરીદ-વેચાણ થઇ શકશે
નવી દિલ્હી: માર્કેટમાં વર્ચ્યુઅલ કરન્સીની બોલબાલા છે ત્યારે હવે પેપાલે ક્રીપ્ટોકરન્સી બજારમાં પ્રવેશ કર્યો છે. કંપનીએ જાહેરાત કરી છે કે પેપાલ એકાઉન્ટની મદદથી બિટકોઇન્સ અને વર્ચ્યુઅલ કરન્સીમાં ખરીદ વેચાણ કરી શકાશે. આ સુવિધાથી 26 મિલિયનથી વધુ લોકો પેપાલ એકાઉન્ટ દ્વારા વર્ચ્યુઅલ કરન્સીથી લે વેચ કરી શકશે. આગામી થોડાક સપ્તાહમાં અમેરિકામાં ખરીદદારી વિકલ્પ ઉભા કરવાની પેપાલની યોજના છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પેપાલની આ જાહેરાત બાદ બિટકોઇનનાં ભાવમાં રોકેટ ગતિએ તેજી જોવા મળી હતી અને તેની કિંમત વધીને 12,000 ડોલરે પહોંચી ગઇ હતી. પેપાલ અન્ય ક્રિપ્ટોકરન્સીમાં એથેરમ, લિટિકોઇન અને બિટકોઇન કેશથી પણ સુવિધા આપશે. આ તમામ પેપાલ ડિજીટલ વોલેટની અંદર જ સીધા જ સંગ્રહિત થશે તેમ કંપનીએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ અન્ય પેમેન્ટ ફર્મ સ્કવેરની કેશ એપ અને રિવોલ્ટ ક્રિપ્ટોકરન્સીન અપનાવી ચૂક્યા છે. જો કે પેપાલ પાસે વિશ્વનું સૌથી મોટું બિઝનેસ નેટવર્ક છે. જો કે ચૂકવણી સમયે સામેની વ્યક્તિ કે કંપનીને ક્રિપ્ટોકરન્સી નહીં પરંતુ ડોલર કે પાઉન્ડ મળશે.
(સંકેત)