- Paytm IPOને પ્રથમ દિવસે નબળો પ્રતિસાદ
- માત્ર 18 ટકા જ સબસ્ક્રાઇબ થયો
- રિટેલ ઇન્વેસ્ટર્સ માટે રિઝર્વ શેર્સમાંથી લગભગ 78 ટકાની ખરીદી થઇ
નવી દિલ્હી: અત્યારે ઇક્વિટી માર્કેટમાં જોવા મળી રહેલી તેજીને કારણે અનેક કંપનીઓ તેનો લાભ લેવા માટે પોતાના IPO સાથે માર્કેટમાં પ્રવેશી રહી છે અને હાલમાં રોકાણકારોમાં પણ IPOનો ક્રેઝ દિન પ્રતિદીન વધી રહ્યો છે. ગઇકાલે ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ પેટીએમના IPO ખુલ્યો છે. જો કે પ્રથમ દિવસે આઇપીઓને નબળો પ્રતિસાદ સાંપડતા માત્ર 18 ટકા જ સબસ્ક્રાઇબ થયો છે. પેટીએમ બ્રાન્ડની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન લિમિટેડે સોમવારે 18,300 કરોડ રૂપિયાના મૂલ્યનો IPO શેરબજારમાં રજૂ કર્યો.
એક માહિતી અનુસાર, રિટેલ ઇન્વેસ્ટર્સ માટે રિઝર્વ શેર્સમાંથી લગભગ 78 ટકાની ખરીદી થઇ ગઇ છે. તો નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે રિઝર્વ માત્ર 2 ટકા શેર માટે સબ્સસ્ક્રિપ્શન મળ્યું.
આપને જણાવી દઇએ કે પેટીએમની તુલનાએ નાયકા અને ઝોમેટો લિમિટેડના IPO પહેલા જ દિવસે રોકાણકારોનું સારું સમર્થન પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા હતા. અંદાજિત 1.39 લાખ કરોડ રૂપિયાના અંદાજીત મૂલ્યવાળી પેટીએમના એક શેર માટે 2,080-2,150 રૂપિયાની ઑફર કરાઇ છે. 10 નવેમ્બરના રોજ IPO બંધ થઇ રહ્યો છે.
નોંધનીય છે કે, વિક્રમ સંવત 2077 ઇક્વિટી માર્કેટ માટે સૌથી વધુ શુકનિયાળ સાબિત થયું છે. આ વર્ષ દરમિયાન રોકાણકારોને શેર્સ પર નોંધપાત્ર વળતર પ્રાપ્ત થયું છે.