સૌથી ચર્ચિત IPO લાવનાર પેટીએમના રોકાણકારોની ચિંતા વધી, કંપનીની ખોટ 850 કરોડ નોંધાઇ
- Paytm એ નાણાકીય પરિણામો જાહેર કર્યા
- પેટીએમની ખોટ 850 કરોડ નોંધાઇ
- રોકાણકારોની ચિંતા વધી
નવી દિલ્હી: દેશમાં સૌથી વધુ ચર્ચિત અને મોટો આઇપીઓ લાવનાર Paytmના આઇપીઓમાં રોકાણ કરનારા રોકાણકારનો જંગી ખોટ સહન કરવી પડી હતી ત્યારે કંપનીએ હવે નાણાકીય વર્ષના પહેલા છ મહિનાના પરિણામ જાહેર કર્યા છે અને કંપનીને જે રીતે નુકસાન થયું છે તેનાથી Paytmના શેર્સમાં મૂડી રોકનાર રોકાણકારોનું ટેન્શન વધ્યું છે.
નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનાના પરિણામો પર નજર કરીએ તો 6 મહિનામાં કંપનીનું નુકસાન 858 કરોડ રૂપિયા રહ્યું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન કંપનીનું નુકસાન 723 કરોડ રૂપિયા હતું.
જોકે નુકસાન વધવાની સાથે સાથે કંપનીની કમાણીમાં વધારો થયો છે.કંપનીની કમાણી 6 મહિનામાં 47 ટકા જેટલી વધીને 2082.50 કરોડ રુપિયા પર પહોંચી છે.
જોકે નુકસાનના કારણે કંપનીના શેરના ભાવ હજી ગગડશે તેવો ભય રોકાણકારોને સતાવી રહ્યો છે. Paytmનો શેર છેલ્લા દસ વર્ષમાં સૌથી ખરાબ લિસ્ટિંગ કરનાર શેર બન્યો છે. કંપનીએ આઈપીઓ માટે કંપનીના શેરની કિંમત 2150 રુપિયા રાખી હતી અને લિસ્ટિંગના દિવસે જ તેના ભાવમાં 27 ટકાનો કડાકો બોલ્યો હતો.હાલમાં તેનો ભાવ 1765 રુપિયા ચાલી રહ્યો છે.