Site icon Revoi.in

આગામી દિવસોમાં ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, આ છે કારણ

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે દેશમાં કમરતોડ મોંઘવારીથી સામાન્ય પ્રજા ત્રસ્ત છે ત્યારે હવે આગામી દિવસોમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થઇ શકે છે. જો કે આ ઘટાડો સરકાર દ્વારા ટેક્સ ઘટાડાને આભારી નથી પરંતુ વિશ્વમાં ક્રૂડ ઑઇલ ઉત્પાદન કરતાં દેશોના એલિટ જૂથ ઑપેક પ્લસના એક નિર્ણયને આભારી છે. રવિવારે ગ્રૂપની બેઠકમાં નિર્ણય લેવાયો કે માર્કેટની માગને પહોંચી વળવા માટે આગામી સમયમાં ઉત્પાદન વધારાશે જેના કારણે ક્રૂડ ઑઇલના વધતા ભાવ પર બ્રેક લાગશે જેની અસર પેટ્રોલ ડિઝલની રિટેલ કિંમત પર જોવા મળશે.

રશિયા સહિતના ક્રૂડ ઑઇલ ઉત્પાદક દેશોની મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે, ઑગસ્ટથી ડિસેમ્બર સુધીમાં આ દેશો ઉત્પાદન ક્ષમતાને પ્રતિ દિવસ 4 લાખ બેરલ સુધી લઇ જશે જેથી 2 મિલિયન બેરલ પ્રતિ દિવસ ઉત્પાદન સુધી પહોંચી શકાય. અથવા એમ કહી શકાય કે ભારતની દૈનિક જરૂરિયાતના 44 ટકા જેટલું પ્રોડક્શન વધારવામાં આવશે. આ નિર્ણય એટલા માટે પણ ફાયદાકારક છે કે આ ગ્રુપની મીટિંગમાં નક્કી થયા અનુસાર, UAE, ઇરાક અને કુવૈતના પ્રોડક્શન ક્વોટામાં પણ વધારો કરાયો છે.

મહત્વનું છે કે આ ત્રણેય એ દેશે છે જેની પાસેથી ભારત પોતાનું મોટાભાગનું ક્રુડ ઓઈલ ખરીદે છે. જેથી આગામી સમયમાં ભારતની ખરીદ કિંમતમાં ઘટાડો આવી શકે છે જેનો ફાયદો સામાન્ય માણસાના ખિસ્સા સુધી પહોંચી શકે છે.

યુએઈની પ્રોડક્શન ક્વોટા વધારવાની માંગને કારણે ઓપેક સંગઠનના મુખ્ય દેશે સાઉદી અરેબિયા સાથે અણબનાવ સર્જાયો હતો અને ભારત, ચીન, યુએસ અને યુરોપમાં વધતી માંગ વચ્ચે પુરવઠો ઘટાડવાની ધમકી આપી હતી.

તેવામાં એ પણ મહત્વનું બની જાય છે કે ઓપેક પ્લસની આ ડીલ ત્યારે સામે આવી છે જ્યારે ભારતના નવા પેટ્રોલિયમ પ્રધાન હરદીપસિંહ પુરીએ પોતાના યુએઈ અને સાઉદી અરેબિયાના સમકક્ષ અનુક્રમે અહેમદ અલ જાબીર અને અબ્દુલાઝિઝ બિન સલમાનને સાથે આ મામલે વાતચીત કરી હતી.