પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડા છતાં અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ હજુ પણ 100ને પાર
- પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો છતાં અનેક રાજ્યોમાં ભાવ 100ને પાર
- રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 116 રૂપિયાનું પ્રતિ લિટર પેટ્રોલ વેચાય છે
- ડિઝલનો ભાવ પણ 100ને આસપાસ
નવી દિલ્હી: દિવાળીના પર્વ દરમિયાન કેન્દ્ર સરકારે મોંઘવારીનો માર સહન કરી રહેલા ભારતીયોને રાહત આપતા પેટ્રોલ-ડીઝલ પર 5 અને 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઓછા કર્યા હતા. તે બાદ કેટલાક રાજ્યોએ પણ વેટના દરમાં ઘટાડો લાગૂ કર્યો હતો. જો કે હજુ પણ દેશના કેટલાક રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાથી વધુની કિંમતે વેચાઇ રહ્યું છે. ડિઝલના ભાવ પણ કેટલાક રાજ્યોમાં 100ની આસપાસ છે.
સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પરના વેરા ઘટાડ્યા બાદ પણ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં આજે પણ પેટ્રોલ 100ને પાર વેચાઇ રહ્યું છે. અહીંયા એક લિટર પેટ્રોલ માટે તમારે 116 રૂપિયા ચૂકવવા પડે છે. શ્રીગંગાનગર બાદ એ જ રાજ્યના અન્ય શહેર હનુમાનગઢમાં પેટ્રોલ 115.21 પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. સૌથી મોંઘું ડિઝલ પણ શ્રી ગંગાનગરમાં 100.21 રૂપિયા પ્રતિ લીટર જ્યારે હનુમાનગઢમાં 99.49 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે.
અંતર અને ટ્રાન્સપોર્ટેશનને કારણે શ્રી ગંગાનગરમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘુ વેચાઇ રહ્યું હોવાનું અનુમાન છે. આ સાથે રાજસ્થાન હવે સમગ્ર ભારતમાં સૌથી મોંઘું પેટ્રોલ-ડીઝલ વેચતું રાજ્ય બની ગયું છે. રાજસ્થાનમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા હોવા છતાં રાજસ્થાન સરકારે વેટમાં કોઇ ઘટાડો કર્યો નથી.
રાજસ્થાનમાં એક્સાઇઝ ડ્યૂટી અને તેમાં વેટમાં કમી આવ્યાં બાદ ડિઝલ પર 12.69 રૂપિયા પ્રતિ લિટર ઓછા થયા છે. જ્યારે પેટ્રોલ પર 6.40 રૂપિયા પ્રતિ લિટર ભાવ ઓછા થયા છે.રાજસ્થાન સરકાર ડિઝલ પર 26 ટકા અને 1.75 રૂપિયા સેસ વસુલી રહી છે. જ્યારે ડિઝલ પર 36 ટકા વેટ અને 1.50 રૂપિયા પ્રતિ લિટર સેસની વસૂલાત કરી રહી છે.
નોંધનીય છે કે, દિવાળીના પર્વ દરમિયાન સરકારે પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં 5 રૂપિયા તેમજ ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ત્યારબાદ અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લિટર 95.13 ની કિંમતે વેચાઇ રહ્યું છે. દિલ્હીમાં જ પેટ્રોલની કિંમત 100 રૂપિયાની નજીક છે.