Site icon Revoi.in

છેલ્લા 6 માસમાં દવાની નિકાસમાં 18 ટકાની વૃદ્વિ, બલ્ક ડ્રગની નિકાસ પણ 9 ટકા વધી

E

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વના દેશોમાં દવાની માંગ વધવાને કારણે ભારતની ફાર્મા પ્રોડક્ટ્સ એટલે કે જુદી જુદી દવાઓની નિકાસમાં 18 ટકાનો વધારો થયો છે. દવાઓ બનાવવા માટે જરૂરી બલ્ક ડ્રગની નિકાસમાં પણ 9 ટકાની વૃદ્વિ જોવા મળી છે.

જો કે વર્ષ 2019-20ના સંપૂર્ણ નાણાકીય વર્ષમાં દવાની નિકાસમાં માત્ર 11 ટકાનો તેમજ બલ્ક ડ્રગની નિકાસમાં 1 ટકાનો જ વધારો થયો હતો, જ્યારે વર્ષ 2020-21ના પ્રથમ છ માસના ગાળામાં જ નિકાસમાં 18 ટકાનો વધારો જોવા મળ્યો છે.

કેલેન્ડર વર્ષ 2020ના આરંભથી જ દુનિયામાં કોરોનાના ચેપના કિસ્સાઓ વધવા માંડયા હતા. ત્યારબાદ માર્ચ મહિનાના બીજા પખવાડિયાથી ભારતમાં પણ કોરોનાના કેસ વધ્યા હતા. આ સ્થિતિમાં ભારત અને પશ્ચિમના દેશો સહિત વિશ્વ સમગ્રના દેશોમાં કોરોનાના ભયથી ફફડાટ ફેલાઈ ગયો હતો.

પરિણામે કોરોનાનો ચેપ લાગુ પડે તો તેની સામે પ્રજાને રક્ષણ આપવા માટે વિશ્વના ઘણાં દેશોએ પણ અગમચેતીના ભાગરૂપે કોરોનાની દવાની આયાત કરીને તેનો સંગ્રહ કરી રાખી મૂક્યો હતો. તેને પરિણામે ભારતમાંથી કોરોનાની દવાની નિકાસમાં ખાસ્સો વધારો જોવા મળ્યો હતો.

અહીંયા સૌથી આનંદદાયક વાત એ છે કે કેન્દ્ર સરકારે ભારતની ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે એક્ટિવ ફાર્માસ્યૂટિકલ્સ ઇનગ્રેડિયન્ટ્સના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માંડ્યું છે. પરિણામે એક્ટિવ ફાર્માસ્યૂટિકલ્સ ઇનગ્રડિયન્ટ્સના ઉત્પાદનમાં ધીમે ધીમે પણ મક્કમ ગતિએ વધારો જોવા મળી રહ્યો છે.

આ વધારાના કારણે પણ અનેક દેશો હવે ચીનને બદલે ભારત પાસેથી બલ્ક ડ્રગ્સ ખરીદી રહ્યા છે. આ કારણોસર પણ ભારતમાંથી બલ્ક ડ્રગ્ની અને એપીઆઇની નિકાસ વધી રહી છે. એપીઆઇની આયાત કરનારા દેશો ચીન ઉપરાંત અન્ય એક દેશ તરીકે ભારતના ઉત્પાદકો પર મદાર બાંધતા થઇ ગયા છે.

બીજી તરફ અમેરિકા તેમજ યુરોપિયન સંઘના દેશોમાં પણ ભારતીય દવાઓની માંગમાં અનેકગણો વધારો થયો છે. તદુપરાંત ભારતના ઘણાં ઉત્પાદકોએ રેમડેસિવીરના મેન્યુફેક્ચરિંગ અને નિકાસ માટેના કામમાં ઝંપલાવ્યું છે. આ માટે વિદેશી કંપની સાથે કરાર પણ કર્યા છે.

નોંધનીય છે કે, ભારતના નિકાસકારો બલ્ક ડ્રગની નિકાસ કરીને તેમની આવકમાં વધારો કરવામાં સફળ થયા છે. છેલ્લા ત્રણ માસમાં પણ નિકાસ સારી રહેવાની ધારણા છે.

(સંકેત)