મોબાઇલ ફોનની નિકાસમાં વૃદ્વિ, જૂન ક્વાર્ટરમાં 4300 કરોડ રૂપિયાના ફોનની નિકાસ થઇ
- નિકાસમાં પણ ભારતની આગેકૂચ
- જૂન ક્વાર્ટરમાં મોબાઇલ ફોનની નિકાસ 4300 કરોડ રૂપિયાએ પહોંચી
- ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન મોબાઇલ ફોનની નિકાસ 1300 કરોડ રૂપિયા હતી
નવી દિલ્હી: ભારત હવે નિકાસની દૃષ્ટિએ પણ આગેકૂચ કરી રહ્યું છે. ભારતમાં એપ્રિલથી જૂન ત્રિમાસિક દરમિયાન મોબાઇલ ફોનની નિકાસ ત્રણ ગણી વધીને 43000 કરોડ રૂપિયાએ પહોંચી ગઇ છે, જે આ સેગમેન્ટમાં રિકવરી અને વૃદ્વિના સંકેત આપી રહ્યા છે. ઇન્ડિયન સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશને આ જણાવ્યું છે.
ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન મોબાઇલ ફોનની નિકાસ 1300 કરોડ રૂપિયા હતી, તે સમયે કોરોના વાયરસની મહામારીએ વિશ્વભરમાં ભરડો લીધો હતો.
એસોસિએશને કહ્યુ કે, મોબાઇલ હેન્ડસેટ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ એ વિશ્વના નંબર-1 મેન્યુફેક્ચરિંગ ડેસ્ટિનેશન બનવાના વિઝનને પૂર્ણ કરવા માટે વૃદ્ધિ ચાલુ રાખી છે. કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે પણ ઉત્પાદન ચાલુ રાખવા માટે સરકારની વિવેકપૂર્ણ નીતિ અને પ્રોડક્શન લિક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) યોજનાના સપોર્ટથી, ઉદ્યોગે ઉત્પાદન અને નિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
વર્તમાન નાણાકીય વર્ષની વાત કરીએ તો પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઇલેક્ટ્રોનિક ગુડ્સની નિકાસમાં પણ વાર્ષિક ધોરણે 100 ટકાનો જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. જે 20,000 કરોડ રૂપિયાનો આંક પાર કરી ગઇ છે.
ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મોબાઈલ ફોનની આયાત ઝડપથી ઘટીને રૂ. 600 કરોડ રહી છે, જે 2020-21ના સમાન સમયગાળા માટે રૂ. 3100 કરોડ હતી. જે વર્ષ 2014-15 પછીની સૌથી નીચી સપાટી છે