- ક્રિપ્ટોકરન્સીના ભાવિ અંગે ટૂંક સમયમાં લેવાશે નિર્ણય
- તેના પર જલ્દી જ નિર્ણય લેવા માટે મોદી સરકાર તૈયાર
- સંસદમાં તેને લઇને બિલ પણ થશે રજૂ
નવી દિલ્હી: ભારતમાં અત્યારે ક્રિપ્ટોકરન્સીના 7 કરોડથી વધુ રોકાણકારો છે અને ટૂંક સમયમાં મોદી સરકાર ક્રિપ્ટોકરન્સીના ભાવિને લઇને નિર્ણય લે તેવી સંભાવના છે. દેશમાં ક્રિપ્ટોકરન્સીના નિયમન માટે સરકાર એક નિયમનકારી માળખું બનાવવા જઇ રહી છે.
ક્રિપ્ટોકરન્સીના નિષ્ણાતો તેમજ ભારત સરકારના અધિકારીઓ વચ્ચે ક્રિપ્ટોકરન્સીના ભાવિને લઇને બેઠક યોજાઇ હતી જેમાં દરેક પાસા પર મંથન કરવામાં આવ્યું છે. તેમાંથી એક પાસુ તમામ ખાનગી ક્રિપ્ટોરકન્સી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો છે. જો કે કેટલાક લોકોનો મત એવો છે કે, તેના પર આંશિક પ્રતિબંધ લાગૂ કરવો જોઇએ. કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે, ક્રિપ્ટો પ્રોડક્ટની દરેક શ્રેણીને નિયમો હેઠળ મંજૂરી હોવી જોઇએ.
ગત ગુરુવારે પણ ક્રિપ્ટોકરન્સીને લઇને એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત તમામ પાસાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બીજી તરફ RBIએ ક્રિપ્ટોકરન્સીના ઉપયોગને લઇને ચિંતા વ્યક્ત કરી છે.
શુક્રવારે યોજાનારી બેઠકમાં તેના નિયમનકારી માળકા માટે નિર્ણય લેવાય તેવી સંભાવના છે. સંસદના શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઑફ ઓફિશિયલ ડિજીટલ કરન્સી બિલ 2021 રજૂ કરવામાં આવશે. ભારત સરકારના નાણા મંત્રાલયે પ્રસ્તાવિત બિલ માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.
નોંધનીય છે કે, ભારતમાં વર્ચ્યુઅલ કરન્સીના નિયમન માટે તમામ પક્ષકારોને સામેલ કરવા અને ગંભીરતાથી ચર્ચા કરવી જરૂરી છે. આ અંગે વાતચીત થઈ રહી છે, જેમાં ક્રિપ્ટોકરન્સીના વિવિધ વિકલ્પો અને તેને અપનાવવાના ફાયદા અને ગેરફાયદા વિશે પણ ચર્ચા થઈ રહી છે.