Site icon Revoi.in

દેશની જીડીપી ત્રીજા ત્રિમાસિક ગાળામાં પોઝિટિવ રહેવાનું આરબીઆઇનું અનુમાન

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ ફરી જણાવ્યું છે કે ભારતીય અર્થતંત્રમાં તેજીમાં સુધારાના સંકેત જોવા મળી રહ્યા છે. આરબીઆઇના રિપોર્ટ અનુસાર ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી પોઝિટિવમાં આવી શકે છે. આ મોદી સરકાર માટે રાહતના સમાચાર છે.

આરબીઆઇના સમાચારમાં અર્થતંત્રની સ્થિતિના ટાઇટલ હેઠળ એક રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે, સપ્ટેમ્બર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ સકારાત્મક રહેવાનું અનુમાન છે. તેનું કારણ એ છે કે ભારતીય અર્થતંત્ર કોવિડ-19ની સામે ઝડપથી બહાર આવી રહ્યું છે.

કોરોના સંકટને કારણે હાલના નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ -7.5 ટકા નોંધાયો હતો. પરંતુ હવે આરબીઆઇનું અનુમાન છે કે ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ પોઝિટિવ જોવા મળી શકે છે.

કેટલાક રિપોર્ટને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ બેંકનો મત છે કે ત્રીજા ત્રિમાસિક ગાળામાં આ જીડીપીની વાસ્તવિક ગ્રોથ પોઝિટિવના ક્ષેત્રમાં આવી જતા 0.1 ટકા રહી શકે છે. આ સિવાય આરબીઆઇના આ રિપોર્ટમાં અનુમાન લગાવામાં આવ્યું છે કે ચાલું નાણાકીય વર્ષમાં દેશના જીડીપીમાં 9.5 ટકાનો ઘટાડો નોંધી શકાશે.

સર્વોચ્ચ બેંકનું માનીએ તો ભારતના અર્થતંત્રમાં જે પ્રકારે તેજીથી ઘટાડો જોવા મળ્યો હતો તેનાથી પણ વધુ ઝડપી ગતિએ રિકવરી જોવા મળી રહી છે. ખાસ કરીને કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે તેમજ સરકારે અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે અનેક સુધારાત્મક પગલાં લીધા છે. આ બે કારણોસર ઇકોનોમીમાં રિકવરી જોવા મળી રહી છે. કોરોના સંકટકાળ દરમિયાન સરકારે કેટલાક આર્થિક પેકેજ પણ જાહેર કર્યા છે.

મહત્વનું છે કે, કોરોના વાયરસના કેસમાં ઘટાડાથી રોકાણ તેમજ ખપતની માગને સમર્થન મળી રહ્યું છે. આર્થિક ગતિવિધિઓમાં પણ તેજી જોવા મળી રહી છે. જેમ કે પીએમઆઇ, વીજળી ખપત, નૂર, GSTના આંકડા બતાવે છે કે બીજા છ માસમાં જે તેજી આવી છે તે હજી આગળ પણ રહેવાની આશા છે.

(સંકેત)