Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલ હવે થશે સસ્તું, એક્સાઇઝ ડ્યૂટીમાં થઇ શકે છે ઘટાડો

Social Share

નવી દિલ્હી: સામાન્ય જનતાને ટૂંક સમયમાં મોંઘવારીમાંથી રાહત મળી શકે છે. આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે. પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવામાં આવી શકે છે. ત્યારબાદ દેશભરમાં ભાવ ઘટવાની આશા છે. હકીકતમાં, સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સના ચેરમેન એમ. અજીત કુમારે કહ્યું કે સરકાર સતત પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવા પર વિચાર કરી રહી છે. સમય આવતાં નિર્ણય લેવાશે.

પેટ્રોલ અને ડીઝલ પર રેકોર્ડ એક્સાઇઝ ડ્યૂટીથી અપ્રત્યક્ષ કર સંગ્રહ 31 માર્ચે પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ 2020-21માં વાર્ષિક આધાર પર 59 ટકા વધુ રહ્યો. ટેક્સના આંકડાઓની જાણકારી આપવાને લઈ સંવાદદાતાઓ સાથે વીડિયો કોલમાં તેઓએ કહ્યું કે, અમને આશા છે કે આવનારા મહિનાઓમાં રેવન્યૂ સારું રહેશે. જ્યાં સુધી ઇંધણના ભાવમાં ઘટાડાનો સવાલ છે, આ મામલા પર સરકારની સતત નજર છે અને મને પૂરો વિશ્વાસ છે કે જ્યારે પણ સમય આવશે, આ વિશે નિર્ણય લેવામાં આવશે.

ફ્યૂઅલ પર વધુ એક્સાઇઝ ડ્યૂટી હોવાના કારણે ભારતના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયો છે. અત્યારસુધી સરકારે 13 વાર એક્સાઇઝ ડ્યૂટી વધારી છે. પેટ્રોલ-ડીઝલ પર છેલ્લીવાર મે 2020માં એક્સાઇઝ ડ્યૂટી વધી હતી. આપને જણાવી દઇએ કે, એક્સાઇઝ ડ્યૂટી કેન્દ્ર સરકાર દ્વારા લાગૂ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર હાલ પેટ્રોલ પર 32.90 રૂપિયા અને ડીઝલ પર 31.38 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યૂટી વસૂલે છે.

પેટ્રોલની બેઝ પ્રાઇઝ હાલ 33 રૂપિયા અને ડીઝલની બેઝ પ્રાઇઝ 34 રૂપિયાની આસપાસ છે. તેની પર કેન્દ્ર સરકાર 33 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વસૂલી રહી છે. ત્યારબાદ રાજ્ય સરકારો તેની પર પોતાના હિસાબથી વેટ અને સેસ વસૂલે છે.

(સંકેત)