- સેમીકન્ડક્ટરની અછતને કારણે મોબાઇલનું ઉત્પાદન ઘટ્યું
- ઉત્પાદન ઉપરાંત મોબાઇલ ફોન્સનું વેચાણ પણ ઘટ્યું
- વર્તમાન વર્ષનો પ્રારંભ સ્માર્ટફોન ઉત્પાદકો માટે સકારાત્મક રહ્યો હતો
નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીના હાહાકાર વચ્ચે દેશના અનેક રાજ્યોમાં આંશિક લોકડાઉન, સેમીકન્ડક્ટરની અછત તેમજ કોરોનાના કેસ વધતા મોબાઇલ ફોનના ઉત્પાદન એકમો ખાતે મોબાઇલનું ઉત્પાદન મંદ ગતિએ થઇ રહ્યું છે અને એપ્રિલ અને મે મહિનામાં દેશમાં મોબાઇલ ફોન્સનું વેચાણ પણ ઘટ્યું છે.
દેશભરમાં કોરોનાની બીજી લહેરથી ધંધા-રોજગાર પર પ્રતિકૂળ અસર પડી છે અને અનેકને ફટકો પડ્યો છે. આ જ કારણોસર એપ્રિલ-મેના સમયગાળામાં ઉત્પાદનમાં 50 ટકાનો ફટકો પડ્યો હોવાનું મોબાઇલ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું.
મોબાઇલ ઉત્પાદન માટેના કાચા માલનો પુરવઠો ખોરવાઇ ગયો છે તેને કારણે જૂન ત્રિમાસિક ગાળામાં સ્થિતિ પડકારજનક થશે. જેમની પાસે બફર સ્ટોક્સ છે તેમણે ઉત્પાદન ચાલું રાખ્યુ હતું પરંતુ તેની ગતિ ધીમી છે કારણ કે વેચાણ મંદ જોવાઇ રહ્યું છે. વર્તમાન વર્ષનો પ્રારંભ સ્માર્ટફોન ઉત્પાદકો માટે સકારાત્મક રહ્યો હતો.
માર્ચ ત્રિમાસિકમાં વેચાણ પણ આકર્ષક રહ્યું હતું અને સ્માર્ટફોન્સની આયાત પણ ઊંચી રહી હતી. દેશના કેટલાક રાજ્યોમાં ઓનલાઈન વેચાણ પર પણ નિયંત્રણો લાગુ કરાયા હોવાથી મોબાઈલ સેલ્સ પર અસર પડી છે, એમ બજારના સુત્રોએ જણાવ્યું હતું.
માર્ચ ત્રિમાસિકમાં સ્માર્ટફોન્સની આયાત વાર્ષિક ધોરણે 18 ટકા વધુ રહી હતી પરંતુ ત્રિમાસિક ધોરણે તેમાં 14 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. મોબાઈલ ખરીદનારાઓનું માનસ હાલમાં નબળું હોવાથી જુન ત્રિમાસિકનું વેચાણ મંદ રહેશે એમ પણ સુત્રોએ જણાવ્યું હતું.
(સંકેત)