- ભારતની જાહેર ક્ષેત્રની બેંકોની નાણાંની આવશ્યકતાને લઇને મૂડીઝનો રિપોર્ટ
- જાહેર ક્ષેત્રોની બેંકોને આગામી 2 વર્ષમાં રૂ.2.1 લાખ કરોડના મૂડી ભંડોળની જરૂર રહેશે
- કોરોનાના પ્રકોપથી બેંકોની એસેટ્સ ક્વોલિટીને પણ થશે નુકસાન: મૂડીઝ
દેશમાં એક તરફ જાહેર ક્ષેત્રની બેંકોનું NPA વધી રહ્યું છે ત્યારે આગામી 2 વર્ષોમાં આ બેંકોને રૂ.2.1 લાખ કરોડના મૂડી ભંડોળની આવશ્યકતા રહેશે. મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે મૂડીની આવશ્યકતા અંગે જણાવ્યું છે. આ મૂડીની આવશ્યકતાને પહોંચી વળવા માટે સરકારનો ટેકો સૌથી વધુ વિશ્વાસપાત્ર સ્ત્રોત રહેશે. મૂડીઝ અનુસાર ભારતના અર્થતંત્રમાં અનિશ્વિતતા અને કોરોના વાયરસના પ્રકોપથી સરકારી બેંકોની એસેટ્સ ક્વોલિટીની નુકસાન પહોંચશે, ક્રેડિટ કોસ્ટ વધશે.
વૈશ્વિક રેટિંગ એજન્સી અનુસાર કોરોના વાયરસના પ્રકોપથી જાહેર ક્ષેત્રોની બેંકોને નુકસાન થશે અને ભારતના આર્થિક વૃદ્વિદરમાં પણ ઝડપી ગતિએ ઘટાડો થશે.
આ અંગે વાત કરતા મૂડીઝના વાઇસ પ્રેસિડેન્ટ અને સિનિયર ક્રેડિટ ઓફિસર અલ્કા અંબરાસુએ કહ્યું કે, અમારો અંદાજ છે કે સરકારી બેંકોની કેપિટલ બફર, જે હાલના સમયે રૂ.1900 કરોડ છે, તેને ધ્યાનમાં રાખતા તેમને નુકસાનની ભરપાઇ કરવા માટે આગામી વર્ષ દરમિયાન 2.1 લાખ કરોડ રૂપિયાની વધારાની મૂડીની જરૂર પડશે. ભારતના બેન્કિંગ સર્વિસ સેક્ટરમાં સરકારી બેંકોનું વર્ચસ્વ છે ત્યારે આ બેંકોની કોઇપણ પ્રકારની નિષ્ફળતા નાણાંકીય સ્થિરતાને જોખમમાં મૂકી શકે છે.
મૂડીઝે વધુમાં ઉમેર્યું હતું કે ખાસ કરીને રિટેલ અને નાની બિઝનેસ લોનના પગલે એસેટ્સની ગુણવત્તા કથળી છે. આ સમયમાં સરકાર દ્વારા ટેકો મળે તે ખૂબજ જરૂરી છે અને તે ટેકો જ વિશ્વાસપાત્ર સ્ત્રોત પણ છે.
(સંકેત)