જાહેર ક્ષેત્રની બેંકોમાં 5 વર્ષ પછી દેખાયો નફો, PSBs એ 31600 કરોડનો નફો નોંધાવ્યો
- જાહેર ક્ષેત્રની બેંકોમાં હવે નફો જોવા મળી રહ્યો છે
- સમગ્ર નાણાકીય વર્ષનો વેરા પૂર્વેનો નફો 45,900 કરોડ રહ્યો હતો
- PSBsએ 31600 કરોડનો નફો નોંધાવ્યો હતો
નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની બેંકોમાં હવે નફો જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી સતત નુકસાન બાદ બેંકોએ હવે નાણાકીય વર્ષ 2020-21માં ચોખ્ખો નફો મેળવ્યો છે. ICRA Ratings અનુસાર, સરકારી બેંકોએ તેમના બોન્ડ પોર્ટફોલિયો દ્વારા અણધાર્યો લાભ મેળવ્યો છે અને બેંકને નફામાં ફેરવી દીધા છે. આ માધ્યમથી PSBsએ 31600 કરોડનો નફો નોંધાવ્યો હતો જ્યારે સમગ્ર નાણાકીય વર્ષનો વેરા પૂર્વેનો નફો 45,900 કરોડ રહ્યો હતો.
વેપારમાં નફા સિવાય જૂની નોન-પરફોર્મિંગ એસેટ્સ પર ઓછી લોનની જોગવાઇ હોવાને કારણે બેંકો પણ નફામાં પરત ફરવા માટે સક્ષમ છે. ICRA રેટિંગ્સ રિપોર્ટ અનુસાર, કોવિડ-19 મહામારી શરૂ થઇ ત્યારથી જાહેર ક્ષેત્રની બેંકો તેમના બોન્ડ પોર્ટફોલિયો પર ટ્રેડિંગ લાભ થઇ રહ્યો છે. માર્ચ 2020માં રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં મોટા ઘટાડા બાદ બેંકો બોન્ડ પર સારી કમાણી કરી રહી છે.
આપને જણાવી દઇએ કે માર્ચ 2020થી મે 2020 દરમિયાન રેપો રેટ 1.15 ટકા ઘટાડીને 4 ટકા કરાયો છે અને રિવર્સ રેપો રેટમાં 1.55 ટકાનો ઘટાડો કરીને તે 3.35 ટકા સુધી લાવવામાં આવ્યો છે. ICRA Ratings ના વાઇસ પ્રેસિડેન્ટ અનિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગત નાણાકીય વર્ષ 2020-21માં જાહેર ક્ષેત્રની બેંકોએ 32,848 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે.