Site icon Revoi.in

ફેબ્રુઆરીમાં કાર-ટ્રેક્ટરના વેચાણમાં વૃદ્વિ, ટુ-વ્હિલર્સનું વેચાણ ઘટ્યું

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી અને લોકડાઉનથી દેશનું ઑટો સેક્ટર પણ પ્રભાવિત થયું હતું. લોકડાઉનના દરમિયાન વાહનોની ઉત્પાદનની કામગીરી બંધ હોવાને કારણે વેચાણમાં પણ નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. કાર સહિત પેસેન્જર વ્હિકલના વેચાણમાં ધીમી ગતિએ રિકવરી જોવા મળી છે જો કે ટુ-વ્હિલર અને વ્યાવસાયિક વાહનોના વેચાણમાં હજુ પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ફેડરેશન ઑફ ઑટોમોબાઇલ ડિલર્સ એસોસિએશનના આંકડા અનુસાર દેશમાં ફેબ્રુઆરી મહિનામાં કાર સહિતના પેસેન્જર વ્હિકલનું વેચાણ વાર્ષિક તુલનાએ 10.06 ટકા વધીને 2,54,058 યુનિટ નોંધાયું છે. તો ટ્રેક્ટરનું વેચાણ પણ 19 ટકાની વૃદ્વિમાં 61,351 નંગ થયું છે. કોરોના સંક્રમણના જોખમને કારણે હાલ લોકો જાહેર પરિવહનના સાધનો કરતાં વ્યક્તિગત વાહનોમાં મુસાફરી કરવાનું વધારે પસંદ કરે છે. આના લીધે કાર અને પેસેન્જર વાહનોનું વેચાણ વધી રહ્યું છે.

અલબત્ત ઓટો ઇન્ડસ્ટ્રીઝ માટે મુખ્ય સેગમેન્ટ મનાતા ટુ-વ્હિલરનો વેચાણ વૃદ્ધિદર હજી પણ મંદી છે અને ફેબ્રુઆરીમાં દ્રિ-ચક્રીનું વેચાણ 16 ટકા ઘટીને 10,91,288 નંગ નોંધાયુ છે. તેવી જ રીતે થ્રી-વ્હિકલનું વેચાણ 49.6 ટકા ઘટીને 33,319 નંગ થયુ છે. આ સાથે ફેબ્રુઆરી 2021માં તમામ પ્રકારના વાહનોનું વેચાણ વાર્ષિક તુલનાએ 13.5 ટકા ઘટીને 14,99,036 નંગ થયુ છે જ્યારે વર્ષપૂર્વેના સમાન મહિનામાં 17,37,628 નંગ વાહનો વેચાયા હતા.

FADAના આંકડા દેશની વિવિધ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO)માં વાહનોના માસિક રજિસ્ટ્રેશ આંકડાઓ પર આધારિત હોય છે. FADA દેશભરની 1480 આરટીઓમાંથી 1273 આરટીઓના વાહનોના રજિસ્ટ્રેશનના આંકડા એક્ત્ર કરે છે.

મંદી વચ્ચે પણ પેસેન્જર વ્હિકલનું વેચાણ વધતા તેનું વેઇટિંગ 8 મહિનાના ઉંચા સ્તરે પહોંચી ગયુ છે. સેમિકંડક્ટરની અછતના લીધે પેસેન્જર વ્હિકલના ઉત્પાદનમાં મુશ્કેલી પડી રહી છે.

(સંકેત)