Site icon Revoi.in

ભારતમાં ડિસેમ્બર 2021 સુધીમાં લૉન્ચ થઇ શકે ડિજીટલ કરન્સી: શક્તિકાંત દાસ

Social Share

નવી દિલ્હી: ડિજીટલ કરન્સી પર RBI લાંબા સમયથી કામ કરી રહી છે. ડિજીટલ કરન્સી અંગે RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, ડિસેમ્બર 2021 સુધીમાં RBI તેની ડિજીટલ કરન્સી માટે ટ્રાયલ પ્રોગ્રામ લોન્ચ કરી શકે છે. વિશ્વની અનેક કેન્દ્રીય બેંકો  દિશામાં કાર્યરત છે. ચીન, યુરોપ તેમજ બ્રિટનની કેન્દ્રીય બેંકો કોમર્શિયલ તેમજ જાહેર ઉપયોગ માટે ક્રિપ્ટોકરન્સીની સંભાવનાઓ પર વિચાર કરી રહી છે.

કેન્દ્રીય બેંક દ્વારા જારી કરાયેલા ડિજીટલ ચલણ અથવા ક્રિપ્ટોકરન્સીને CBDC નામ આપવામાં આવ્યું છે. આ ચલણને સપૂર્ણપણે કાનૂની માન્યતા પ્રાપ્ત થશે. વર્તમાનની ફિયટ કરન્સીનું ડિજીટલ વર્ઝન હશે. શક્તિકાંત દાસે કહ્યું કે અમે CBDC વિશે ખૂબ જ સાવચેત છીએ. કારણ કે તે એક નવો કોન્સેપ્ટ છે.

ડિજીટલ કરન્સી દરેક રીતે સુરક્ષિત હોય તેનું મૂલ્યાંકન કરવું પણ આવશ્યક છે. તેના કારણે ભારતીય નાણાકીય વ્યવસ્થા પર કોઇ નકારાત્મક અસર ના થાય તે જરૂરી છે. ખાસ કરીને, કોરોના પછી હજુ પણ અર્થતંત્ર દબાણ હેઠળ છે.

બિટકોઇન અને ઇથેરિયમ જેવી ખાનગી ક્રિપ્ટોકરન્સીની વધતી લોકપ્રિયતાએ ધ્યાન ખેંચ્યું છે. આ તમામ ક્રિપ્ટોકરન્સી બ્લોકચેન ટેકનોલોજી પર આધારિત છે. MPC પ્રેસ કોન્ફરન્સમાં ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે કેન્દ્રીય બેંકની ચિંતા ખાનગી ક્રિપ્ટોકરન્સી અંગે છે. તેમણે કહ્યું કે હજુ સુધી તેનું નિયમન કરવામાં આવ્યું નથી.