- RBIની દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષાની બેઠક પૂર્ણ
- RBIએ ધારણા મુજબ રેપોરેટ અને રિવર્સ રેપોરેટ યથાવત્ રાખ્યા
- રેપોરેટ 4 ટકા અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા પર યથાવત્ રખાયો
નવી દિલ્હી: RBIએ વ્યાજદરો ફરીથી યથાવત્ રાખ્યા છે. રેપોરેટ 4 ટકા અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા પર યથાવત્ રખાયો છે. આજે RBIની દ્વિ-માસિક નાણાકીય નીતિના નિર્ણયની RBIના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી હતી. RBIના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં યોજાયેલી ત્રણ દિવસીય બેઠકમાં વ્યાજદરો યથાવત્ રાખવામાં આવ્યા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, RBIના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય નીતિની જાહેરાત કરી છે. ત્રણ દિવસીય બેઠકમાં જે નિર્ણય લેવાયો તેની ગવર્નર શક્તિકાંત દાસે માહિતી આપી હતી. ફરી એક વખત ધારણા અનુસાર રેપો રેટ અને રિવર્સ રેપો રેટ યથાવત્ રાખવામાં આવ્યો છે. દાસે કહ્યું કે, કોરોનાની બીજી લહેરમાંથી અર્થતંત્ર હવે ઉગરી રહ્યું છે અને સુધરી રહ્યું છે. પુરવઠા અને માંગનું સંતુલન બગડ્યું છે, જેને ધીમે ધીમે સુધારવામાં આવી રહ્યું છે.
બીજી તરફ ભારતીય અર્થતંત્રના નાણાકીય વર્ષ 2021-22 માટે વૃદ્વિ દરનો અંદાજ RBIએ 9.5 ટકા પર જાળવી રાખ્યો છે. તેમણે કહ્યું કે, જૂન કરતાં જુલાઇમાં આર્થિક સુધારો હતો. આ સાથે તેણે એમ પણ કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેર પ્રત્યે સતર્ક રહેવાની આવશ્યકતા છે.
આર્થિક સુધારાઓ અંગે એવું કહેવામાં આવ્યું હતું કે તે નાણાકીય નીતિ સમિતિ અનુસાર રહ્યું છે. થોડો સમય સિવાય ચોમાસુ સારું રહ્યું છે. ફુગાવા વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મે મહિનામાં છૂટક ફુગાવો 6 ટકાના ઉપલા સ્તરને પાર કરી ગયો હતો, જોકે ભાવની ગતિ મધ્યમ હતી. માંગ પણ ધીરે ધીરે સુધરી રહી છે પરંતુ આને લગતી પરિસ્થિતિમાં બહુ સુધારો દેખાઈ રહ્યો નથી.