- ઓફિસ સ્પેસની માંગ ઘટી
- જાન્યુઆરી-સપ્ટેમ્બરમાં 4 ટકા માંગ ઘટી
- CBREના રિપોર્ટમાં આ જાણકારી અપાઇ
નવી દિલ્હી: કોવિડ 19 રોગચાળાની બીજી લહેરની અસર દેશમાં ઓફિસ સ્પેસની માંગ પર પણ પડી છે. ચાલુ વર્ષના જાન્યુઆરીથી સપ્ટેમ્બર માસ દરમિયાન ઑફિસ સ્પેસની માંગ ચાર ટકા ઘટીને 2.5 કરોડ વર્ગફૂટ રહી છે. CBREએ કેલેન્ડર યર 2021ના ત્રીજા ક્વાર્ટર પર કેન્દ્રીત પોતાના રિપોર્ટમાં આ બાબતની જાણકારી આપી છે.
આ રિપોર્ટના આંકડાઓ પર નજર કરીએ તો વર્ષના પ્રથમ નવ મહિનામાં કુલ 25 મિલિયન ચોરસ ફૂટ વિસ્તાર લીઝ પર આપવામાં આવ્યો હતો, જે વર્ષ 2020ના સમાન સમયગાળા કરતા ચાર ટકા ઓછો છે. જો કે, જુલાઇ-સપ્ટેમ્બરના સમયગાળામાં ઑફિસો માટે કુલ 13.5 મિલિયન ચોરસ ફૂટ સ્પેસ ભાડે આપવામાં આવ્યો હતો, જે એપ્રિલ-જૂન ક્વાર્ટરની તુલનામાં 140 ટકાની વૃદ્વિ દર્શાવે છે.
મહત્વનું છે કે, રિપોર્ટ અનુસાર, 2021ના પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં ઓફિસ સ્પેસની સપ્લાયમાં લગભગ 34.30 મિલિયન સ્ક્વેર ફૂટનો વધારો થયો છે. CBREના ચેરમેન અને CEO (ભારત, દક્ષિણ-પૂર્વ એશિયા, પશ્ચિમ એશિયા અને આફ્રિકા) અંશુમન મેગજિને જણાવ્યું હતું કે ભારતીય રિયલ એસ્ટેટ બજાર છેલ્લા એક વર્ષમાં સ્થિતિસ્થાપક સાબિત થયું છે અને તેનો એકંદર દૃષ્ટિકોણ હકારાત્મક છે.