- કોરોન મહામારીને કારણે અર્થતંત્રમાં અનિશ્વિતતા પ્રવર્તિત
- RBI અર્થતંત્રને વેગ આપવા માટે રેપો રેટમાં કરી શકે ઘટાડો
- RBI આગામી બેઠકમાં રેપો રેટમાં 0.25 %નો ઘટાડો કરી શકે
કોરોના મહામારીને કારણે ભારતીય અર્થતંત્રમાં અનિશ્વિતતાનો માહોલ પ્રવર્તિત છે ત્યારે ભારતીય રિઝર્વ બેંક ફરી એક વખત વ્યાજદરોમાં કાપ મૂકી શકે છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર આગામી નાણાકીય નીતિ સમીક્ષાની બેઠક દરમિયાન RBI રેપો રેટમાં 0.25 ટકાનો કાપ મૂકે તેવી શક્યતા છે.
આપને જણાવી દઇએ કે આગામી 4 ઑગસ્ટથી RBIના ગવર્નરની અધ્યક્ષતામાં નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસ ચાલનારી બેઠક શરૂ થશે અને 6 ઑગસ્ટના રોજ આ અંગેની જાહેરાત કરવામાં આવશે.
કોવિડ-19 સંકટને કારણે ભારતીય અર્થતંત્રની સ્થિતિ ડામાડોળ છે ત્યારે આરબીઆઇ અર્થતંત્રને થયેલા નુકસાનને ઓછું કરવા માટે સતત પ્રયાસરત છે. અગાઉ પણ માર્ચ અને મે મહિનામાં યોજાયેલી એમપીસીની બેઠકમાં રેપો રેટમાં 1.15 ટકાનો કાપ મૂકવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે અનાજ અને દાળોની કિંમતોમાં તેજી જોવા મળતા જૂન મહિનામાં છૂટક મોંઘવારી દર વધીને 6.09 ટકા થયો છે. આ સ્થિતિને જોતા આરબીઆઇ આગામી બેઠકમાં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરે તેવો મત મોટા ભાગના આર્થિક નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
(સંકેત)