- દેશમાં ડિસેમ્બર મહિનામાં રિટેલ ફુગાવામાં તીવ્ર ઘટાડો નોંધાયો
- કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત રિટેલ ફુગાવો નવેમ્બરમાં 93 ટકા નોંધાયો
- ખાદ્યચીજોમાં ઘટાડાને પગલે ફુગાવામાં તેની અસર જોવા મળી
નવી દિલ્હી: દેશમાં ડિસેમ્બર મહિનામાં રિટેલ ફુગાવામાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો ઘટીને 4.59 ટકા રહ્યો હતો. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત રિટેલ ફુગાવો નવેમ્બરમાં 6.93 ટકા નોંધાયો હતો. ખાસ કરીને ખાદ્યચીજોમાં ઘટાડાને પગલે ફુગાવામાં તેની અસર જોવા મળી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ખાદ્યચીજોનો ફુગાવો ડિસેમ્બરમાં ઘટીને 3.41 ટકા રહ્યો હતો જે નવેમ્બરમાં 9.5 ટકા રહેવા પામ્યો હતો. દેશમાં ખાદ્યચીજોની સરળતાથી ઉપલબ્ધતા તેમજ કિંમતોમાં ઘટાડાથી ફુગાવામાં રાહત મળી છે. ડિસેમ્બરમાં શાકભાજીના ભાવમાં વર્ષ દર વર્ષના હિસાબે 22.51 ટકાનો વધારો નોંધાયો હતો.
ફુગાવામાં થયેલા ઘટાડાને પગલે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે આરબીઆઇ આગામી સમયમાં વ્યાજદરો વધુ હળવા કરી શકે છે.
બીજી તરફ નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન માઈનસ 1.9 ટકા નોંધાયું હતું. નવેમ્બરમાં ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા મુજબ મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન માઈનસ 1.7 ટકા હતું. માઈનિંગ ઉત્પાદન 7.3 ટકા ગગડ્યું હતું જ્યારે વીજ ઉત્પાદન 3.5 ટકા વધ્યું હતું. અગાઉના વર્ષના નવેમ્બર માસમાં આઈઆઈપી 2.1 ટકા વધ્યું હતું.
કોરોના કાળને પગલે ઔદ્યોગિક ઉત્પાદનને ફટકો પડ્યો હતો અને ગત વર્ષે માર્ચથી જૂન સુધીમાં નોંધપાત્ર ગાબડું પડ્યું હતું. માર્ચ 2020માં આઈઆઈપીમાં તીવ્ર ઘટાડો રહેતા માઈન 18.7 ટકા રહ્યું હતું.
(સંકેત)