- ફરીથી મોંઘવારી વધી
- રિટેલ મોંઘવારી દર વધીને 6.3 ટકા પર પહોંચ્યો
- તે ગત 6 મહિનામાં રિટેલ મોંઘવારીનો સૌથી વધુ દર છે
નવી દિલ્હી: મોંઘવારીને સામાન્ય પ્રજાની કમર તોડી નાખી છે. હવે મોંઘવારી મામલે સામાન્ય પ્રજાને વધુ એક ઝટકો લાગ્યો છે. મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી પછી હવે રિટલ મોંઘવારી વધીને 6.3 ટકા પર પહોંચી ગઇ. તે ગત 6 મહિનામાં રિટેલ મોંઘવારીનો સૌથી વધુ દર છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ખાદ્ય વસ્તુઓ અને પેટ્રોલ-ડીઝલનો ભાવ વધવાને કારણે રિટલ મોંઘવારી દર પણ વધ્યો. મે મહિનામાં ફૂડ ઇન્ફ્લેશન વધીને 5.01 ટકા પર પહોંચી ગયું. એપ્રિલમાં તે 1.96 ટકા હતું. એપ્રિલમાં રિટેલ મોંઘવારી દર ઘટીને 4.23 ટકા પર આવી ગયો છે. તે રિટેલ મોંઘવારી દર ત્રણ મહિનાનો સૌથી નીચો સ્તર હતો.
આપને જણાવી દઇએ કે RBIએ માર્ચ 2026 સુધી રિટેલ મોંઘવારી દર માટે 4 ટકાનો લક્ષ્ય રાખ્યો છે. તેમાં 2 ટકા વધઘટ સામેલ છે. પાંચ મહિના પછી મેમાં રિટેલ મોંઘવારીનો આંકડો RBIના 6 ટકાના ઉપરના લક્ષ્યને આંબી ગયો છે.
કેન્દ્રીય બેંકે નાણાંકીય વર્ષ 2021-22 દરમિયાન રિટેલ મોંઘવારીનો દર 5.1 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. તેણે પહેલા ક્વાર્ટરમાં તે 5.2 ટકા, બીજા ક્વાર્ટરમાં 5.4 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 4.7 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 5.3 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.
મે મહિનામાં હોલસેલ મૂલ્ય આધારિત મોંઘવારી (ડબલ્યુપીઆઈ) 12.94 ટકાની અત્યાર સુધીની રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગઈ છે. એપ્રિલ મહિનામાં તે 10.49 ટકા પર હતી. સતત બે મહિના હોલસેલ મોંઘવારીએ બે આંકડામાં રહી છે.