- ક્રિપ્ટોકરન્સી બાઉન્સબેક
- ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમત 55 હજાર ડોલરને પાર
- માર્કેટ કેપમાં 10 અબજ ડોલરનો વધારો
નવી દિલ્હી: મોદી સરકાર દ્વારા આગામી શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધને લઇને બિલ રજૂ થવાના સમાચાર બાદ બિટકોઇન સહિતની ક્રિપ્ટોકરન્સીમાં કડાકો બોલી ગયો હતો ત્યારે હવે ક્રિપ્ટોકરન્સીએ કડાકા બાદ બાઉન્સ બેક કર્યો છે. બિટકોઇનના ભાવ 55 હજાર ડૉલર ફરી પાર કરી ગયા હતા. વૈશ્વિક સ્તરે નવા કોવિડના વેરિએન્ટના ફફડાટ બાદ ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડા બાદ ફરીથી તેજી જોવા મળતા ક્રિપ્ટોના ભાવ પણ ઉંચકાયા હતા.
બીજી તરફ નિર્દેશો અનુસાર ક્રિપ્ટો કરન્સીનું માઇનિંગ કરવા હેકર્સોએ ક્લાઉડ એકાઉન્ટો પર હુમલાઓ કરવાનું શરૂ કર્યું છે. તેના કારણે પણ હલચલ તેજ થઇ છે.
બિટકોઈનના ભાવ આજે નીચામાં 53573 ડોલર થયા પછી ઉંચામાં ભાવ 55314 થઈ 55092થી 55093 ડોલર રહ્યાના નિર્દેશો હતા. ભાવ વધતાં બિટકોઈનનું માર્કેટ કેપ 1030 અબજથી વધી આજે 1040 અબજ ડોલર નોંધાયું હતું. બિટકોઈનમાં આજે 1.55થી 1.60 અબજ ડોલરનું ટ્રેડીંગ થયું હતું.
ક્રૂડતેલના ઉત્પાદક દેશોની આવતા સપ્તાહમાં મળનારી મિટિંગ પર બજારના ખેલાડીઓની નજર રહી હતી. મિડકેપ ક્રિપ્ટોમાં આજે ઈથેરના ભાવ નીચામાં 4029 ડોલર તથા ઉંચામાં 4185 થઈ 4151થી 4152 ડોલર રહ્યા હતા.
બીજી તરફ ઈથેરમાં 1.20થી 1.25 અબજ ડોલરના સોદા થયા હતા તથા માર્કેટ કેપ 478 અબજથી વધી 487થી 488 અબજ ડોલર નોંધાયું હતું. સ્મોલ કેપ ક્રિપ્ટોમાં આજે એક્સઆરપીના ભાવ 95થી 96 સેન્ટ, ડોજેકોઈનના 20થી 21 સેન્ટ, કારડનોના 157 સેન્ટ તથા શિબાઈનુંના ભાવ 0.000040 ડોલર રહ્યાના નિર્દેશો હતા.