ભારત-ચીન વચ્ચે તણાવ છતાં વ્યાપારિક સંબંધો મજબૂત થયા, વેપાર 100 અબજ ડોલરને પાર થવાની સંભાવના
- લદ્દાખ મોરચે તણાવ છતાં ભારત-ચીનના વ્યાપારિક સંબંધો નવી ઊંચાઇએ
- ભારત અને ચીન વચ્ચેનો વેપાર 100 અબજ ડોલરને પાર કરી જાય તેવી શક્યતા
- બંને દેશો વચ્ચે નવ મહિનામાં 90 અબજ ડૉલર કરતાં વધારે વેપાર થયો
નવી દિલ્હી: લદ્દાખ મામલે ભલે ભારત અને ચીન વચ્ચે તણાવ અને તકરાર જોવા મળી રહી હોય પરંતુ બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધો મજબૂત જોવા મળી રહ્યાં છે. બંને દેશો વચ્ચેનો વેપાર રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે.
એક તરફ જ્યારે ભારત-ચીન વચ્ચે લદ્દાખ મોરચે જે તકરાર જોવા મળી રહી છે તેનાથી બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધોને અસર થવાની પૂરી સંભાવના છે. જો કે આ બધી જ સંભાવનાઓ વચ્ચે જે વ્યાપારિક આંકડાઓ સામે આવી રહ્યા છે તે કંઇક અલગ જ ચિત્ર બતાવી રહ્યાં છે.
આ વર્ષે પહેલી વાર ભારત અને ચીન વચ્ચેનો વેપાર 100 અબજ ડોલરને પાર કરી જાય તેવી શક્યતાઓ છે. એક વર્ષથી બંને દેશ વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે વિવાદનો અંત તો નજીક નથી દેખાતો પરંતુ બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો નવી ઊંચાઇઓ પર પહોંચી રહ્યાં છે.
ચીનના કસ્ટમ વિભાગના આંકડા અનુસાર બંને દેશો વચ્ચે નવ મહિનામાં 90 અબજ ડૉલર કરતાં વધારે વેપાર થયો છે. ગત વર્ષની સરખામણીએ આ વેપાર 50 ટકા વધારે છે.
ભારત દ્વારા ચીનમાંથી થતી આયાત આ વર્ષે 68 અબજ ડૉલરને પાર થઇ ગઇ છે. ગત વર્ષની તુલનાએ તે 52 ટકા વધુ છે.