- ભારતીય અર્થતંત્રમાં અનિશ્વિતતા વચ્ચે પણ માર્કેટમાં રોકાણ વધ્યું
- વિદેશી રોકાણકારોએ શેરબજારમાં 46,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું
- રોકાણને કારણે ભારતીય રૂપિયામાં ડોલર સામે જોવા મળી તેજી
કોરોનાના સંકટ વચ્ચે ભારતીય અર્થતંત્રમાં ભલે વોલેટિલિટી જોવા મળી રહી હોય પરંતુ અમેરિકી કરન્સી ડોલરની તુલનાએ ભારતીય રૂપિયામાં જોરદાર તેજી જોવા મળી છે. રૂપિયો અમેરિકી ડોલરની તુલના કરતાં એક સપ્તાહમાં એક ટકાથી વધારે મજબૂત થયો છે.
રૂપિયામાં મજબૂતીનું કારણ
માર્કેટ નિષ્ણાંતોના મતે ભારતીય શેરમાર્કેટમાં વિદેશી રોકાણકારોએ વિપુલ માત્રામાં રોકાણ કર્યું છે. જેની અસર ભારતીય રૂપિયા ઉપર દેખાઇ રહી છે. ઓગસ્ટ મહિનામાં અત્યારસુધી વિદેશી રોકાણકારોએ કુલ 46,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. જ્યારે જાન્યુઆરીમાં 53,59 કરોડ રૂપિયા, ફેબ્રુઆરીમાં 12,684 કરોડ રૂપિયા, માર્ચમાં 65,816 કરોડ રૂપિયા અને એપ્રિલમાં 5208 કરોડ રૂપિયા શેરબજારમાંથી નીકળ્યા છે.
બીજી તરફ અમેરિકી ડોલરમાં આવેલી નબળાઇના કારણે પણ રૂપિયામાં તેજી જોવા મળી છે. તે ઉપરાંત કોરોનાની વેક્સીન અને દવા માર્કેટમાં ટૂંક સમયમાં આવવાની અપેક્ષાને કારણે પણ બિઝનેસ સેન્ટિમેન્ટ વધુને વધુ મજબૂત બની રહ્યું છે.
નિષ્ણાંતોએ મત વ્યક્ત કર્યો છે કે અત્યારના સમયમાં રૂપિયો વધારે મજબૂત થઇ શકે છે. અત્યારે 73 રૂપિયો પ્રતિ ડોલર સુધી પહોંચવાની આશા છે. RBI પણ તેને લઇને સતત પગલાં લઇ રહી છે.
સામાન્ય માણસ પર આ અસર થશે
ભારત પોતાની જરૂરિયાતના 80 ટકા પેટ્રોલિયમ પ્રોડક્ટની આયાત કરે છે. રૂપિયામાં મજબૂતી આવવાને કારણે પેટ્રોલિયમ પ્રોડક્ટની આયાત સસ્તી થશે. ઓઇલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલની સ્થાનિક કિંમતોમાં ઘટાડો કરી શકે છે.
(સંકેત)