Site icon Revoi.in

ચીનને વધુ એક આર્થિક ફટકો, સેમસંગ હવે ચીનને બદલે ભારતમાં પોતાનું યુનિટ સ્થાપશે

Social Share

નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે તણાવ જોવા મળી રહ્યો છે અને ત્યારબાદથી ભારત અન ચીનના સંબંધોમાં પણ કડવાશ જોવા મળી રહી છે જેને કારણે ભારતે ચીનને ફટકો આપવા માટે અનેક પગલાં લીધા છે. હવે ભારતે ચીનને વધુ એક આંચકો આપ્યો છે. મલ્ટિનેશનલ કંપની સેમસંગ અગાઉ જે પ્લાન્ટ ચીનમાં નાખવાની હતી તે હવે ભારતના ઉત્તરપ્રદેશના નોઇડામાં નાખશે એવી જાણકારી પ્રાપ્ત થઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, શુક્રવારે ઉત્તર પ્રદેશના પ્રધાન મંડળે સેમસંગના આ પ્રસ્તાવને બહાલી આપી હતી. આમ ચીનને વધુ એક આર્થિક ફટકો પડ્યો હતો. સેમસંગ જો નોઇડામાં પ્લાન્ટ નાખે તો ભારત સરકારની સ્કીમ ફોર પ્રમોશન ઑફ મેન્યુફેક્ચરિંગ ઑફ ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ્સ એન્ડ સેમીકંડક્ટર્સ અન્વયે 460 કરોડ રૂપિયાની સબસિડી મળશે.

આ યોજના હેઠળ રાજ્ય સરકાર ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ નીતિ અન્વયે કેપિટલ સબસિડી અને સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત આપશે. સેમસંગ નોઇડામાં 4,825 કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને આશરે 1500 સ્થાનિક યુવાનોને રોજગારી પ્રાપ્ત થશે. અત્યારે વિશ્વમાં ટેલિવિઝન, મોબાઇલ ફોન, ઘડિયાળ અને કમ્પ્યુટર ક્ષેત્રે સેમસંગ 70 ટકા હિસ્સો ધરાવે છે. સેમસંગનું યુનિટ નોઇડામાં સ્થપાય ત્યારબાદ નોઇડા અને ઉત્તર પ્રદેશને વિશ્વભરમાં એક અલગ ઓળખ મળશે.

(સંકેત)