Site icon Revoi.in

શેરમાર્કેટના રોકાણકારો માટે ખુશખબર, હવે બીજા જ દિવસે શેર્સના પૈસા ખાતામાં થઇ જશે જમા

Social Share

મુંબઇ: શેરબજારમાં રોકાણ કરતા રોકાણકારો માટે મહત્વના સમાચાર છે. અત્યારે શેર્સના વેચાણ બાદ બે દિવસ બાદ તમારા ખાતામાં શેર્સના વેચાણના રૂપિયા જમા થાય છે પરંતુ હવે સેબીએ સ્ટોક એક્સચેન્જને ટી પ્લસ વન સાઇકલ અપનાવવા માટે મંજૂરી આપી દીધી છે. ટી પ્લસ વન સેટલમેન્ટની વ્યવસ્થા 1 જાન્યુઆરી 2022થી લાગુ થશે.

શેર માર્કેટમાં રૂપિયાની લેવડદેવડની વ્યવસ્થા બેંક કે અન્ય નાણાકીય સંસ્થા કરતા અલગ હોય છે. બેંક કે અન્ય પેમેન્ટ સિસ્ટમથી રૂપિયા ટ્રાન્સફર કે લેવડદેવડ થતા જ તરત જ તમારા ખાતામાં પહોંચી જાય છે. પરંતુ શેર માર્કેટમાં એવું નથી. હાલમાં શેર માર્કેટમાં ટી પ્લસ ટૂ સેટલમેન્ટ સાઇકલ પર કામકાજ થાય છે.

જો આજે તમે કોઈ શેર ખરીદ્યો છે તો શેર તમારા ડીમેટ અકાઉન્ટમાં ટ્રેડિંગ ડેના ત્રીજા દિવસે કે ટ્રેડિંગ ડેના બે દિવસ પછી પહોંચે છે. એ જ રીતે જો તમે કોઈ શરે વેચો છો, તો તમારા રૂપિયા તમારા બેંક ખાતામાં 2 દિવસ પછી પહોંચે છે. તેને સેટલમેન્ટ સાઈકલ કહેવાય છે.

શેર બજારમાં ટી પ્લસ વન સેટલમેન્ટ સાઈકલ લાગુ થવાથી રોકાણકારોને ઘણી રાહત મળી શકે છે. તેનાથી ફાયદો એ થશે કે જો આજે તમે શેર ખરીદો છો તો 1 દિવસ પછી તમારા ડીમેટ અકાઉન્ટમાં શેર પહોંચી જશે. એ જ રીતે જો તમે આજે કોઈ શેર વેચો છો તો કાલે તમારા ખાતામાં રુપિયા આવી જશે.

શેર બજારના વેપારમાં ટી પ્લસ વન સેટલમેન્ટ સાઈકલ લાગુ થવાથી શેર બિઝનેસની માત્રા વધી શકે છે. ટી પ્લસ વન સેટલમેન્ટથી લોકોને શેર વેચવાની સ્થિતિમાં જલદી રૂપિયા મળશે, જેનાથી તેઓ નવા શેરમાં જલદી રોકાણ કરી શકશે.